હાર્દિકની સીડી બનાવીને તેને ફસાવવા ૫૦ કરોડમાં સોદો

1508
guj1712017-13.jpg

હાર્દિક પટેલના કથિત વીડિયો અને સીડીકાંડને લઇ ગુજરાત સહિત દેશભરમાં ખળભળાટ મચી ગયો છે અને ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે ત્યારે આજે પાસના કન્વીનર દિનેશ બાંભણીયાએ એક પત્રકાર પરિષદ યોજી હાર્દિકના સીડીકાંડના સમગ્ર મામલે ભાજપના નેતાઓ પર સીધા અને ગંભીર આક્ષેપો કર્યા હતા. 
બાંભણીયાએ સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, હાર્દિકની સીડી બનાવીને તેને ફસાવવા માટે રૂ.૫૦ કરોડમાં સોદો થયો છે. તેને ફસાવવા 
માટે ભારત બહાર મોર્ફ કરીને સીડીઓ તૈયાર કરવામાં આવી છે. હાર્દિકને નારાયણ સાંઇની જેમ જેલમાં ધકેલવાનો ભાજપનો પ્લાન હતો. આ સમગ્ર ષડયંત્રમાં સુરતના વિપુલ મેંદરડા મુખ્ય કાવતરાખોર છે અને તેની સાથે પાયલ નામની એક યુવતી સંડોવાયેલી હોવાનો આક્ષેપ પણ બાંભણીયાએ કર્યો હતો. હાર્દિકના સીડીકાંડ પાછળ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના નેતાઓ સામેલ હોવાનો ગંભીર આક્ષેપ કરતાં પાસના કન્વીનરે વધુમાં જણાવ્યું હતું કે, હાર્દિકની સીડી બનાવી તેને ફસાવવા એક યુવતીને રૂ. ત્રણ લાખ આપવામાં આવ્યા હતા અને તેને ફરિયાદ કરવા તૈયાર કરાઇ હતી કે જેના આધારે હાર્દિકને જેલમાં નાંખી શકાય. સીડીકાંડનું સમગ્ર ષડયંત્ર સુરતમાં રચાયું હતું. હાર્દિકને બળાત્કારની ફરિયાદમાં ફસાવવા  રૂ.૫૦ લાખમાં સોદો કરાયો છે. આ સમગ્ર પ્રકરણમાં પોલીસ પણ સંડોવાયેલી  હોવાનો આરોપ લગાવતાં દિનેશ બાંભણીયાએ ઉમેર્યું કે, અમારી પાસે આ તમામ બાબતોના પૂરતા અને નક્કર પુરાવા છે અને અમે પોલીસ તેમ જ સરકારના સત્તાવાળાઓ સમક્ષ તે રજૂ કરવા પણ તૈયાર છીએ. સુરતના આનંદ ફાર્મહાઉસમાં સમગ્ર ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. જેમાં બે પીઆઇ અને એક એસપી સહિતના પોલીસ અધિકારીઓ પણ સંડોવાયેલા છે. સુરતના વિમલ પટેલ નામના સ્થાનિક વેપારીની પણ આમાં સક્રિય ભૂમિકા છે. હાર્કિદ પટેલને કોઇપણ ભોગે જેલમાં નાંખી ભાજપ ચૂંટણી જીતવા માંગે છે. વિપુલ મેંદરડા અને મનોજ નામના શખ્સોએ આવી ૫૨ સીડીઓ બનાવી છે. આ જાણકારી આપનાર વ્યકિતને મીડિયા સમક્ષ લાવી શકાય તેમ નથી કારણ કે, તેની જાનને ખતરો છે. લાપતા બનેલા વિપુલ મેંદરડાને હાજર કરવા અને જાહેરમાં લાવવા પણ બાંભણીયાએ માંગણી કરી હતી. તેમણે ઉમેર્યું કે, ભાજપના રાજમાં પોલીસ પર હવે તેમને વિશ્વાસ નથી અને તેથી ફરિયાદ કરવાનો કોઇ અર્થ નથી. જરૂર પડયે આ મામલે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવાશે. 

મુખ્ય સુત્રધાર ભાવનગરના ભુતિયા ગામનો
હાર્દિકની સેકસ સીડી બાબતે આજે પાસના કન્વીનર દિનેશ બાંભણીયાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિકને ફસાવવા માટે તૈયાર કરાયેલી સીડીના બે યુવક અને એક યુવતી સહિત ત્રણ પૈકી વિપુલ મેંદપરા નામનો શખ્સ મુળ ભાવનગરના ભુતિયા ગામનો અને હાલ સુરતના હીરાબાગ વિસ્તારમાં રહેતો હોવાનો ધડાકો કર્યો હતો ત્યારે આજે ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મિડીયાના પત્રકારો સુરત સ્થિત વિપુલના હીરાબાગ સ્થિત ઘરે પહોંચ્યા હતા. 
જ્યાંથી વિપુલ ત્રણેક દિવસથી ગાયબ હોવાના સમાચાર મળ્યા હતા. જો કે વિપુલના પરિવારજનોએ પણ મિડીયાને જવાબ આપવા ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. આ બનાવથી વિપુલના ઘર પાસે લોકોના ટોળા એકઠા થયા હતા. આમ હાર્દિકની સેક્સ સીડીમાં ભાવનગરના ભુતિયા ગામનો શખ્સ મુખ્ય સુત્રધાર હોવાના પાસના ખુલાસાથી સનસની મચી જવા પામી છે.

Previous articleભાજપ ગાંધી-સરદાર પટેલના વિચારોને નાબૂદ કરવા ઇચ્છુક : જયોતિરાદિત્ય
Next articleહાર્દિક સીડીકાંડ સાથે ભાજપને કોઇ સંબંધો નથી : નીતિન પટેલ