હાર્દિક સીડીકાંડ સાથે ભાજપને કોઇ સંબંધો નથી : નીતિન પટેલ

645
guj1712017-12.jpg

નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આજે પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે, છેલ્લા ચાર દિવસથી ગુજરાતના જાહેર જીવનમાં ખળભળાટ મચી ગયો છે. આ ખળભળાટ જાહેરજીવન અને સમાજ જીવન માટે કલંક સમાન છે. જુદી જુદી અશ્લિલ સીડીના દ્રશ્યો કરોડો ગુજરાતીઓ જોઇ ચુક્યા છે. આ દ્રશ્યો થકી શબ્દ સમાજ જીવનના કરોડો લોકો સ્તંબ્ધ બનીને દુખી થયા છે. કેટલાક મુઠ્ઠીભર લોકો ગુજરાતને કઇ દિશામાં લઇ જવા માંગે છે તે ચર્ચા હવે શરૂ થઇ છે. પૂજ્ય ગાંધીના ગુજરાતમાં સરદાર પટેલના ગુજરાતમાં આ બાબતો બહાર આવી છે જે શરમજનક અને ક્ષોભજનક છે. સીડી કાંડે ગુજરાતની અસ્મિતા અને ગરિમાને લાંછન લગાવ્યું છે. ગુજરાતની માફી માંગવાના બદલે આ પ્રકારના લોકો લાજવાના બદલે ગાજી રહ્યા છે. પાસના નેતાઓ અંદરોઅંદરના ઝગડાના કારણે સીડીકાંડ થયો છે. ભાજપ અને સીડીકાંડ વચ્ચે કોઇ લેવા દેવા નથી. હાર્દિક પટેલના કથિત વીડિયો અને સીડીને લઇ પાસના નેતાઓએ આ સમગ્ર કાવતરાને લઇ ભાજપ પર આરોપ લગાવ્યા છે ત્યારે બીજીબાજુ, આજે રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેેલે પત્રકારપરિષદ યોજી વળતા પ્રહાર કર્યા હતા કે, હાર્દિકના સીડીકાંડ જાહેરજીવનને લાંછન લાગે તેવી ઘટના છે. વીડિયોના કેટલાક દ્રશ્યો તો એવા છે કે જે જાહેરમાં કે સમાજમાં જોઇ શકાય તેમ પણ નથી. એક તરફ સરદાર પટેલના નામે કામ અને બીજીબાજુ, આવા દ્રશ્યો પાટીદારો અને જાહેરજીવન માટે આઘાતજનક કહી શકાય. નીતિન પટેલે પાસના નેતાઓ અને કોંગ્રેસ 
પર કટાક્ષ મારતાં જણાવ્યું હતું કે, પૈસાની વહેંચણી મામલે બબાલ થતાં આ કૃત્ય બહાર આવ્યા છે. જો તમે સાચા હોવ તો ફરિયાદ કેમ કરતા નથી અને કોંગ્રેસના નેતાઓની સલાહ કેમ લેતા નથી? નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ તરફથી મળેલા પૈસાની વહેંચણીમાં મતભેદ થતાં આ પ્રકારના  શરમજનક કૃત્ય બહાર આવ્યા. હાર્દિક પટેલે સમગ્ર ઘટનાને ખૂબ હળવાશથી લીધી અને સીડી બહાર આવ્યા બાદ પણ અભિમાનપૂર્વક વર્તન કર્યુ ંપરંતુ ગુજરાતની જનતા અને પાટીદાર સમાજ હવે સાચી વાત જાણી ગઇ છે. હાર્દિક પટેલે મુંડન કરાવ્યા બાદ કરેલી આવી હરકત એ કેટલા અંશે યોગ્ય કે વાજબી ગણી શકાય એવો સવાલ ઉઠાવી નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શહીદોને શ્રધ્ધાંજલિ આપી હાર્દિક પટેલે આવું કામ કર્યું. નીતિન પટેલે હાર્દિક પટેલ પર સીધો જ આક્ષેપ કર્યો હતો કે, સીડીમાં દેખાતો યુવક હાર્દિક પટેલ જ છે. તેમણે હાર્દિકના સીડીકાંડને જાહેરજીવનને લાંછન લાગે તેવી શરમજનક અને આઘાતજનક ઘટના ગણાવી હતી. આ પ્રકારના અશ્લીલકાંડ બહાર આવ્યા બાદ આવા લોકોએ જાહેરજીવન છોડી દેવું જોઇતુ હતુ અને માફી માંગવી જોઇતી હતી. નીતિન પટેલે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા હતા કે, અનામતના મુદ્દે કોંગ્રેસ પાટીદાર નેતાઓને ગેરમાર્ગે દોરી રહી છે અને માત્ર ચૂંટણીના રાજકારણ માટે તેમનો ઉપયોગ કરી રહી છે ત્યારે પાસના નેતાઓ આવા સમયે કોંગ્રેસના નેતાઓની સલાહ કેમ લેતા નથી. ઉલ્ટાનું કોંગ્રેસ આવાકાંડમાં પણ તેમનો બચાવ કરી રહી છે.