રામોલ અને નારોલ પોલીસ મથકમાં બોમ્બની અફવાઓ

1893
guj19112017-11.jpg

રામોલ અને નારોલ પોલીસમથકમાં બોંબ મૂકાયા હોવાના નનામા ફોનને પગલે આજે શહેર પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું. પોલીસે ડોગ સ્કવોડ, બોંબ સ્કવોડ સહિતની ટીમોની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જેમાં તપાસના અંતે કંઇ વાંધાજનક ચીજવસ્તુ નહી મળતાં બોંબ મૂકાયાની વાત આખરે અફવા સાબિત થઇ હતી. પોલીસે નનામો ફોન કરી પોલીસને દોડતી કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે.
 આ અંગેની વિગત એવી છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેર સહિત રાજયભરમાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓને પહેલેથી એલર્ટ કરી દેવાયેલી છે ત્યારે તેવા  સમયે ચૂંટણીના માહોલમાં આજે વહેલી સવારે શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં કોઇ અજાણ્યા શખ્સે નનામો ફોન કરી રામોલ અને નારોલ પોલીસમથકમાં બોંબ મૂકાયા હોવાની માહિતી આપી હતી, જેને પગલે તરત જ શહેર પોલીસતંત્રને એલર્ટ કરી દેવાયું હતું. પોલીસની જુદી જુદી ટીમો ડોગ સ્કવોડ અને બોંબ સ્કવોડ સાથે રામોલ અને નારોલ પોલીસ મથકમાં પહોંચી હતી અને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસ સ્ટેશનમાં તેમ જ તેની ફરતે તમામ સ્થળો અને ખૂણેખૂણા ચેક કરી તપાસ હાથ ધરાઇ હતી પરંતુ કશુંય વાંધાજનક મળ્યું ન હતું. જેથી બોંબ મૂકાયાની સમગ્ર વાત અફવા સાબિત થતાં પોલીસતંત્ર સહિત વટીવટીતંત્રએ પણ રાહતનો દમ લીધો હતો. જો કે, પોલીસે આ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસને દોડતી કરી મૂકનાર શખ્સ કોણ હતો તેની શોધખોળ આદરી છે. પોલીસે ફોન કયાંથી આવ્યો હતો અને કયા વિસ્તારમાંથી શખ્સે ફોન કર્યો હતો તે સહિતની લોકેશન અને અન્ય માહિતી એકત્ર કરી આરોપી શખ્સને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

Previous articleસોમવારે વિજય મુહુર્તમાં રૂપાણી અને કોંગ્રેસના ઈન્દ્રનીલભાઈ ફોર્મ ભરશે
Next articleગુજરાત ચૂંટણી : ભારે ઉત્સુકતાની વચ્ચે ભાજપની બીજી યાદી જાહેર