ક-માર્ગ પર ભારે વાહનોની અવર-જવરથી અકસ્માતનો ભય

640
gandhi21112017-8.jpg

ગાંધીનગર શહેરના ક-માર્ગ ઉપર ભારે વાહનોની અવર જવર દિવસ દરમ્યાન મોટી સંખ્યામાં થઇ રહી છે ત્યારે આ માર્ગ ઉપર વાવોલ તથા ગોકુલપુરા સહિત અન્ય વસાહતી વિસ્તાર પણ મોટી સંખ્યામાં આવેલાં છે. અસંખ્ય લોકોની અવર જવર આ માર્ગ ઉપર થાય છે ત્યારે ટ્રાફિકનું નિયમન પણ જળવાતું નથી અને અવાર નવાર નાના મોટા અકસ્માતની ઘટનાઓ પણ બને છે. જેના પગલે આ માર્ગની આસપાસ વસવાટ કરતાં રહિશોને જીવલેણ અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.   
પાટનગરમાં આવેલાં મુખ્ય માર્ગો ઉપર ભારે વાહનોની અવર જવર માટે પ્રતિબંધ હોવાથી આ વાહનો દિવસ દરમ્યાન ક-માર્ગ ઉપરથી પસાર થઇ રહ્યાં છે. અડાલજથી ઉવારસદ થઇને વાવોલથી ગોકુળપુરા અને જીઆઇડીસી વિસ્તારમાંથી ક-માર્ગ ઉપર રોજના અસંખ્ય ભારે વાહનોની અવર જવર થાય છે. ઉપરાંત જીઆઇડીસી અને વાવોલ તથા ગાંધીનગર તરફના વાહન ચાલકોની સંખ્યા પણ આ માર્ગ ઉપર દિવસ દરમ્યાન વધુ હોય છે. આ માર્ગની બંને તરફ વસાહતી વિસ્તાર વાવોલ ગામની સોસાયટીઓ તેમજ ગોકુલપુરા સહિત ફલેટ અને ટેર્નામેન્ટની સોસાયટીઓ આવેલી છે. જેમાં અસંખ્ય લોકો વસવાટ પણ કરી રહ્યાં છે. ત્યારે વાવોલ પાસેથી પસાર થતાં આ ક માર્ગ ઉપર ભારે વાહનોની સાથે સાથે ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર પણ મોટી સંખ્યામાં અવર જવર કરે છે. સ્થાનિક રહિશોની પણ અવર જવર વધુ હોવાથી આ રહિશોને ભારે વાહનોના લીધે અકસ્માતના ભયે પસાર થવું પડે છે.    
અવાર નવાર આ માર્ગ ઉપર નાના-મોટા અકસ્માતો પણ સર્જાય છે. જે અંગે આ માર્ગની આસપાસ આવેલાં સોસાયટીના રહિશો દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત પણ કરી હતી કે, આ માર્ગ ઉપર જ્યાં આગળ વસાહતી વિસ્તાર આવેલો છે. ત્યાં આગળ તંત્ર દ્વારા બમ્પ તો લગાવવામાં આવ્યા છે. પરંતુ અવર જવર કરતાં ભારે વાહનો ગતિ નિયંત્રણમાં નહીં હોવાથી સ્થાનિક રહિશોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.