દામનગરના ગૌસેવકોએ સર્જરી દ્વારા ગાયને નવજીવન બક્ષ્યું

753
guj21112017-3.jpg

દામનગર ગૌસેવા માટે સુંદર કાર્ય કરતી સંસ્થા લાઠી મહાદેવ ગ્રુપ ગૌ-સેવા કેન્દ્ર દ્વારા છેલ્લા ૧૭ વર્ષથી નિરાધાર, બિમાર ગાયોની મેડિકલ સારવાર તેમજ નિભાવ કરવામાં આવે છે. તાજેતરમાં તા.૧૮ને શનિવારના રોજ ગાય માતાના પેટમાંથી પ્લાસ્ટિક કાઢવાનું ઓપરેશન રાખવામાં આવેલ. આ ઓપરેશન દરમિયાન ગાયના પેટમાંથી ૪ર કિલો પ્લાસ્ટીક કાઢવામાં આવેલ. આ ઓપરેશન મુંબઈના ડો.પ્રશાંત તેમજ ડો.ભટ્ટ, વિપુલભાઈ અશરા દ્વારા કરવામાં આવેલ. આ તકે હરિકૃષ્ણ એક્સપોર્ટસના સવજીભાઈ ધોળકીયા તેમજ અમરેલી જિલ્લા આયોજન અધિકારી ટોપરાણી ઉપસ્થિત રહેલ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો, જીવદયાપ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ તેમજ લાઠીના વેપારી ભાઈઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ. સવજીભાઈ ધોળકીયાએ જણાવેલ કે આપણા દેશની આ કરૂણા છે. જેમને માતા માનીને પૂજા કરીએ છીએ તેમને અપડેજ પ્લાસ્ટિક ખવરાવીએ છીએ. આને માટે આપણે બધાએ મળીને જનજાગૃતિ લાવવી પડશે અને અહીંયા હાજર દરેક વ્યક્તિ સંકલ્પ કરે કે અમો અમારા ઘરમાં પ્લાસ્ટિકની થેલીઓ નહીં લાવીએ અને તો જ આપણે બધા મળીને આ પર્યાવરણને આ ધરતીને બચાવી શકીશું. આ પ્રસંગે ટોપરાણી પણ જણાવેલ કે જો ગાય બચશે તો જ આપણે બચીશું. આ માટે સરકારે અને પ્રજાએ સહિયારો પુરૂષાર્થ કરવો જોઈએ. લાઠી શહેરના અનેકો યુવકો રોજ રાત્રે ગૌશાળામાં દૈનિક સેવા આપી રહ્યાં છે. સ્વયમ જાગૃતિ માટે મહાદેવ ગ્રુપ દ્વારા દરેક નાગરિકને પ્લાસ્ટિક થેલીઓનો ઉપયોગ નહીં કરવા અને તેની શુભ શરૂઆત સ્વયમ પોતપોતાના ઘરથી જ કરે. અબોલ જીવો માટે આશિર્વાદરૂપ સેવા એ પણ છે કે સંપૂર્ણપણે પ્લાસ્ટિક થેલીનો ત્યાગ અબોલ જીવોના હિત માટે કરેલ.