ભાવનગર શહેર મધ્યે આવેલ મેઈનબજાર તથા જવાહર મેદાન ગંગાજળીયા તળાવ સહિતની જગ્યાઓ પર ગરમ વસ્ત્રોના વેચાણ અર્થે સ્ટોલ લાગી ચુક્યા છે.
પ્રતિવર્ષ ઓક્ટોબર માસના ઉત્તરાર્ધ સાથે ભાવનગર શહેરની માર્કેટમાં વેપારી વર્ગ દ્વારા શિયાળાની સિઝનને લઈને તૈયારીઓ આરંભી દેવામાં આવે છે. ખાસ કરીને ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો શહેરમાં રેડીમેટ વસ્ત્રોનું વેચાણ કરતા વેપારીઓ બહારથી અનેક વેરાયટીના વસ્ત્રો લાવી વેપાર શરૂ કરતા હોય છે. ઉપરાંત ગંગાજળીયા તળાવના પાળે તથા જવાહર મેદાન ખાતે છેક તિબ્બત તથા નેપાળથી લોકો ગરમ વસ્ત્રોના વેચાણ અર્થે અત્રે આવે છે. આ વર્ષે પણ આવા પરદેશીઓનું આગમન થઈ ચુક્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક પ્રકારના વેરાયટી સાથેના વસ્ત્રો સાથે કાફલાએ પડાવ નાખ્યો છે પરંતુ નવેમ્બર માસ પૂર્ણ થવા આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે છતાં જોઈએ તેવો ઠંડીનો માહોલ જામતો નથી. જો કે હજુ બે થી અઢી માસ જેવો શિયાળાનો સમય બાકી છે પરંતુ શિયાળાના આરંભે જે ખરીદીનો માહોલ જામે તેવો જ જણાતા વેપાર વર્ગમાં ચિંતાનું મોજુ છવાયું છે. સ્થાનિક વેપારીઓ તથા પરદેશ-પ્રાંતમાંથી આવેલા લોકો ભરપૂર ટાઢોડુ છવાય તેવું ઈચ્છી રહ્યાં છે. હાલ રૂા.પ૦૦થી લઈને પ હજાર સુધીના ગરમ વસ્ત્રો બજારમાં વેચાણ અર્થે મુકવામાં આવ્યા છે.