બાપુનગર બેઠકને લઇ કોંગી કાર્યકરોનો ઉગ્ર વિરોધ થયો

1141
guj26112017-6.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ટિકિટ ફાળવણીના પ્રશ્ને ભાજપ અને કોંગ્રેસમાં અમદાવાદ સહિત વિવિધ બેઠકો પર ભારે નારાજગી, દેખાવો અને વિરોધના વંટોળ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં બાપુનગર બેઠક પર હિંમતસિંહ પટેલને કોઇપણ હિસાબે ટિકિટ નહી ફાળવવાની માંગણી સાથે કોંગ્રેસના કાર્યકરોએ આજે પ્રદેશ કોંગ્રેસ કચેરી ખાતે ઉગ્ર દેખાવો અને વિરોધ યોજયો હતો. 
કેટલાક કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે જ જાહેરમાં મુંડન કરી હિમંતસિંહ સામે વિરોધ  વ્યકત કર્યો હતો અને કોંગી હાઇકમાન્ડ દ્વારા તેને ટિકિટ નહી આપવા માંગણી કરાઇ હતી.     કોંગ્રેસના કાર્યકરો આજે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યાલય(પ્રદેશ કોંગ્રેસ કચેરી) ખાતે પહોંચ્યા હતા અને કોંગી આગેવાનોને બાપુનગરની બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે હિંમતસિંહ પટેલને કોઇપણ સંજોગોમાં ટિકિટ નહી આપવા માંગણી કરી હતી. કોંગી કાર્યકરોએ હિંમતસિંહ પટેલ સામેનો પોતાનો રોષ અને વિરોધ સ્પષ્ટ રીતે વ્યકત કર્યો હતો. તેમણે હિંમતસિંહ પટેલ ત્રણ-ત્રણ વાર હારી ગયા હોઇ હવે તેમના બદલે આ વખતે દિનેશ શર્માને ટિકિટ ફાળવવા પણ માંગણી કરી હતી. કેટલાક કોંગ્રેસના કાર્યકરોએ તો પ્રદેશ કોંગ્રેસ કચેરી ખાતે જ જાહેરમાં મુંડન કરાવી ઉગ્ર આક્રોશ વ્યકત કર્યો હતો. રોષે ભરાયેલા કોંગી કાર્યકરોએ નહી ચલેગી, નહી ચલેગી, ગેહલોત કી સેટીંગ નહી ચલેગી અને બાર બાર હારા હે, ફિર ભી દિલ્હીમાં મેં પ્યારા હે ના જોરદાર નારા અને સૂત્રોચ્ચાર પોકાર્યા હતા અને વાતાવરણ ગજવી મૂકયું હતુ. કોંગ્રેસના કાર્યકરો દ્વારા નરોડા બેઠક પરથી પણ સિંધી સમાજના કોઇ આગેવાનને જ આ વખતે ટિકિટ ફાળવવાની માંગણી કરવામાં આવી હતી.