જિલ્લામાં વિધાનસભાની પાંચ બેઠકોની ચૂંટણી માટે પોલીસનો એકશન પ્લાન તૈયાર

649
gandhi27112017-5.jpg

આગામી તા.૧૪મી ડીસેમ્બરના રોજ ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે મતદાન થવાનું છે ત્યારે ગત સોમવારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીનું વિધિવત જાહેરનામું બહાર પાડીને ઉમેદવારોને ઉમેદવારી કરવા માટે આમંત્રણ આપી દીધું હતું. 
ત્યારે હાલમાં ઉમેદવારીપત્રો ભરાઈ રહયા છે ત્યારે ચૂંટણી તંત્ર અને પોલીસ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી એકશન પ્લાન ઘડી કાઢયો છે. જે અંતર્ગત જિલ્લામાં ૧૩૪૨ મતદાન મથકો પૈકી સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકોની યાદી તૈયાર કરવામાં આવી છે જો કે મોટા રાજકીય પક્ષોના ઉમેદવારો જાહેર થઈ ગયા બાદ આ યાદીમાં ફેરફાર પણ કરવામાં આવશે. આ મતદાન મથકો ઉપર સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. 
ગાંધીનગર હેડકવાટર્સ ડીવાયએસપી એમ.જે.સોલંકીએ જણાવ્યું હતું કે જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી પોલીસના એકશન પ્લાન અંતર્ગત જિલ્લા પોલીસ વડાના સુપરવીઝન હેઠળ છ ડીવાયએસપી, ૧૯ પોલીસ ઈન્સ્પેકટર, ૬૦ પોલીસ સબ ઈન્સ્પેકટર, ૧૪૭૩ પોલીસ અને ૧૫૮૧ હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે. સેન્ટ્રલ પેરા મીલીટરી ફોર્સની ૩૦ કંપનીને પણ બોલાવવામાં આવી છે જે પૈકી ત્રણ ગાંધીનગર જિલ્લામાં આવી ગઈ છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ફલેગમાર્ચ કરી રહી છે. મતદાન મથકોની સંવેદન-શીલતાના આધારે પેરા મીલીટરી ફોર્સના જવાનોની ફાળવણી કરવામાં આવશે. ગાંધીનગર ઉપરાંત અન્ય જિલ્લામાંથી પણ ૧૯૩ જેટલા પોલીસ જવાનોને બોલાવવામાં આવનાર છે. ચૂંટણીના દિવસે કોઈ અનિચ્છનિય ઘટના બને તો તાત્કાલિક અસરથી પહોંચી વળવા માટે ક્વીક રીસ્પોન્સ ટીમો પણ બનાવવામાં આવી છે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી ઉમેદવારો સાથે પણ બેઠકો કરવામાં આવશે અને સંવેદનશીલ મતદાન મથકો છે તેવા ગામોમાં પણ જઈ પોલીસ ગામના આગેવાનો સાથે બેઠકો કરશે.

Previous articleપાટનગરમાં કાતિલ ઠંડીની શરૂઆત : પારો ૧૧ ડીગ્રી નીચે
Next articleવિધાનસભાની બીજા તબક્કાની ૯૩ બેઠક માટે કુલ ૩૧૫ ઉમેદવારી ફોર્મ ભરાયા : આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ