ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મેચ ફિક્સિંગ છે જો જો છેતરાતા નહિ : બાપુ

1227
gandhi3122017-6.jpg

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં અન્ય પક્ષો પરંપરાગત રીતે ચુંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે જનવિકલ્પ પાર્ટીના પ્રણેતા અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એ ડીજીટલ મીડિયા દ્વારા જોર-શોરથી પ્રચાર શરૂ કરીને એક નવી પહેલ કરી છે.ડીજીટલ મીડિયા દ્વારા પ્રચાર શરૂ કરતા વાઘેલાએ પોતાના રાજકીય અનુભવના આધારે મતદારોને ચેતવતા કહ્યું હતું કે ભાજપ-કોંગ્રેસ વચ્ચે મેચ ફિક્સિંગ જેવું છે. બંને પક્ષો એકબીજાની સામે એવી ગોઠવણ કરે છે કે જેની સામાન્ય મતદારોને ખબર જ ના હોય અને નબળા ઉમેદવારો મૂકીને રાજકીય પક્ષો પોતાનું ધાર્યું પરિણામ મેળવીને મતદારોને મૂર્ખ બનાવે છે. રાજકીય પક્ષોની આ ચુંટણણીરૂપી મેચ ફિક્સિંગનો પોતે ભોગ બન્યા હોવાનું પણ વાઘેલાએ જણાવ્યું હતું.
પોતાના અનુભવો વર્ણવતા તેમણે વધુમાં જનવિકલ્પ શા માટે તેના કારણો જણાવીને કહ્યું કે એક જ પક્ષના કાર્યકરો પોલીસની લાઠી પડતી હોય ત્યારે એકબીજાને બચાવે અને ટીકીટ ના મળે ત્યારે એ જ કાર્યકરને ચુંટણીમાં હરાવવાના કાવતરા કરે તેવી પરિસ્થિતિ રાજકીય પક્ષોના હાઈકમાન્ડની મેલી રમતને કારણે થાય છે તેથી જનવિકલ્પે પ્રજાને હાઈકમાન્ડ માનીને પ્રજાએ જેમને પસંદ કર્યા તેમને પક્ષનું ચુંટણી પ્રતિક ટ્રેક્ટર ફાળવ્યું છે. એક ભવમાં પોતાને રાજકીય પક્ષોમાં ઘણા અનુભવો થયા અને શંકર નામ પ્રમાણે ઝેરના ઘણા ઘૂંટડા પીવા પડ્યા એમ કહીને તેમણે કહ્યું કે અમે તો ઝેરના ઘૂંટડા પીધા પણ પ્રજાએ શા માટે ઝેરના ઘૂંટડા પીવા પડે? આજે વેપારીઓને જી.એસ.ટી.ના નામે ઝેરના ઘૂંટડા પીવા પડી રહ્યા છે. આવુ કેવું જી.એસ.ટી.? આવો કેવો કાયદો? કે જે પ્રજાને નડે? કાયદા પ્રજાને સાનુકૂળ હોવા જોઈએ તેના બદલે પ્રજાને હેરાન થવું પડે તેવા કાયદા સામે જનવિકલ્પની સરકાર લડત ચલાવશે. 
દિલ્હીની સામે ગુજરાતના હિતમાં દાદાગીરી કરે, ઝુકે નહી, નમે નહી તેવી સરકાર ગુજરાતમાં હોવી જોઈએ અને ભૂતકાળમાં રાજપાની સરકાર એવી સરકાર હતી કે ટૂંકા ગાળામાં લીધેલા પ્રજાલક્ષી નિર્ણયોનો અમલ આજે પણ ગુજરાતમાં છે અને પ્રજાને તેનો લાભ મળી રહ્યો છે. વિકાસ અંગે તેમને કહ્યું કે તમામ ભેગા થઈને કામ કરે તેને વિકાસ કહેવાય કોઈ એકનું ભલું થાય તે વિકાસ નથી. વિકાસનું માર્કેટિંગ ના થાય. અત્યારે તો સરકારી ગાડી પરથી લાલબત્તી ઉતારવામાં આવે તો પણ તેનું મીડિયા માર્કેટિંગ થાય છે. ૨૦ વર્ષ પહેલા રાજપાની સરકારમાં સરકારી ગાડીઓ પરથી લાલબત્તી ઉતારવાની શરૂઆત અને નિર્ણય પોતાની સરકારે કર્યો ત્યારે તેનુ કોઈ માર્કેટિંગ કર્યું નહોતુ એમ પણ તેમણે જણાવ્યું હતુ. 
ડીજીટલ મીડિયા માટે કરેલા સંબોધનમાં તેમણે મતદારોને ચેતવતા કહ્યું કે જો જો કોઈ દારૂની પોટલી કે સાડીના ચક્કરમા આવીને લલચાશો નહિ. ચુંટણી કોઈ વ્યાપાર નથી. ચુંટણીને વ્યાપાર સમજનારા મતો ખરીદવા આવી લાલચો આપે છે. પણ ચૂંટણી પ્રજાએ પોતાનું ભલુ કરી શકે તેવી પ્રજાલક્ષી સરકાર ચૂંટવાનું પવિત્ર પર્વ છે તેમાં મતોની ખરીદી ના થાય. ગુજરાતના હિતમાં ગાંધીનગરમા રાજપા જેવી માનવતાવાદી, અહિંસાવાદી, સત્યવાદી અને પ્રજાના હકો માટે, ગુજરાતના હિતોની રક્ષા માટે દિલ્લી સામે આંખ ઉંચી કરીને વાત કરી શકે તેવી જનવિકલ્પની સરકાર લાવવા ટ્રેક્ટર પર બટન દબાવી મત આપવાની અપીલ પણ વાઘેલાએ કરી હતી. આ અગાઉ પણ ફેસબુક લાઈકમાં શંકરસિંહ વાઘેલા ૧૬.૪૮ લાખ લાઈક મેળવીને ગુજરાતના સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે પુરવાર થયા છે અને હવે ચુંટણી પ્રચારમાં પણ ડીજીટલ મીડિયામાં મેદાન મારી ગયા છે.      

Previous articleકોંગી ઉમેદવાર અલ્પેશ ઠાકોરે યુવતીને રૂ.૫૦૦ આપતાં વિવાદ
Next articleભાટ ગામ પાસે દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાઈ