સિહોર માર્કેટ યાર્ડ દ્વારા ૧૨ દિવસમાં ૩૮૩૮૫ મણ મગફળી ખરીદી

703
bvn3122017-3.jpg

રાજ્ય સરકાર દ્વારા ખેડુતો પાસેથી ટેકના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે જેમા ભાવનગરના સિહોર ખેત ઉત્પન્ન બજાર સમીતીમાં ખેડુતોએ મોટી માત્રામાં મગફળીનુ વેચાણ કર્યુ છે. હાલ પણ મગફળીની ખરીદી શરૂ છે.
આ વર્ષે રાજ્યમાં સારા ચોમાસાના કારણે ખરીફ પાકોનું બમ્પર ઉત્પાદન થયુ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થતા ધરતીપૂત્રોમાં સંતોષ સાથે આનંદની લાગણી પ્રસરી છે મગફળી ઉત્પાદનની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમે અમરેલી, બીજા ક્રમે જુનાગઢ અને ત્રીજા ક્રમે ભાવનગર જિલ્લાનો સમાવેશ  થાય છે. પરંતુ પ્રતિવર્ષ મોટા પ્રમાણમાં મગફળીના ઉત્પાદનના પગલે ભાવ તળીયે જતા હોય ખેડુતોને મોટી આર્થિક રકમનો ફટકો સહન કરવો પડતો હોય છે પરંતુ આ વર્ષે વિધાન સભાની ચૂંટણી  યોજાનાર હોય રાજ્ય સરકારે ખેડુતોને રીઝવવાના હેતુ સાથે દિવાળી પર્વ બાદ લાભ પાંચમના શુભ પર્વથી ટેકાના ભાવે સમગ્ર રાજ્યમાંથી ખેડુતો પાસેથી મગફળી ખરીદવાની શરૂઆત કરી હતી જે અન્વયે ભાવનગરના સિહોર તાલુકા સ્થિત માર્કેટ યાર્ડ ખાતે મગફળી ખરીદી કેન્દ્ર ફાળવવામાં આવ્યુ છે.
આ સેન્ટર પર સિહોર, વલ્લભીપુર, ઉમરાળા, તથા ભાવનગર તાલુકા હેઠળ આવતા ગામોના ખેડુતો દ્વારા માત્ર ૧૨ દિવસના સમય ગાળામાં મોટી માત્રામાં મગફળી ૯૦૦ રૂપીયાના ટેકાના ભાવે વેચાણ કરી છે હજુ પણ શીંગની ધુમ આવક શરૂ છે. 
રાજ્ય સરકારના આદેશ અનુસાર આગામી માર્ચ મહિના સુધી ટેકાના ભાવે ખરીદી શરૂ રહેશે સરકારના આ નિર્ણયને લઈને ખેડુત વર્ગમાં ભારે રાહતની લાગણી ફેલાઈ છે.