સુરેન્દ્રનગરમાંથી ૧ હજાર કિલોનું ગાંજાંનું વાવેતર ઝડપાયું

668

રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે કુવાડવા પાસેથી ચોક્કસ બાતમીના આધારે ચોટીલા પંથકના એક શખ્સને એક કિલો ગાંજા સાથે ઝડપી લીધો છે. આ શખ્સની પૂછપરછમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખરેડી ગામે એક શખ્સ દ્વારા ખેતરમાં એક હજાર કિલો ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું બહાર આવતા રાજકોટ એસઓજીની એક ટીમ આજે સોમવારે મોડી રાત્રીના ખરેડી ગામે દોડી ગઈ છે. સૌરાષ્ટ્રમાં ગાંજાના નેટવર્કને ભેદવામાં રાજકોટ પોલીસને આ મોટી સફળતા મળી હોવાનું જણાવાઈ રહ્યું છે. રાજકોટ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસમેન જીતુભા, ફિરોઝભાઈ તથા વિજયેન્દ્રસિંહે ચોક્કસ બાતમીના આધારે કુવાડવા પાસેથી બાઈક નં. જીજે ૩ ઈજે ૩૯૯૬ પર જઈ રહેલા જીલા લાંબા ચૌહાણ (રેઃ ચીરોડા, તાઃ ચોટીલા, જીઃ સુરેન્દ્રનગર)ને ઝડપી લઈ તેની પાસેથી એક કિલો ગાંજો કબ્જે કર્યો હતો. પોલીસની પૂછપરછમાં આ જીલા ચૌહાણે આ ગાંજો પોતે સુરેન્દ્રનગરના ખરેડી ગામેથી લાવ્યાનું જણાવ્યું હતું.

જોકે, એસઓજીની ટીમ ત્યારે ચોંકી ઉઠી હતી જ્યારે જીલા ચૌહાણે જેની પાસેથી પોતે ગાંજો લાવ્યાનું જણાવ્યું તે મુનિ બાપુ નામના ઈસમે પોતાના ખેતરમાં ૧૦૦૦ કિલો ગાંજાનું વાવેતર કર્યું હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. આ અંગે ક્રાઈમ બ્રાંચના એસીપી જયદીપસિંહ સરવૈયાએ સુરેન્દ્રનગર એલસીબી તથા એસઓજીને જાણ કરી તુર્ત જ ખરેડી ગામે તપાસ કરવા જણાવ્યું હતું. બીજી બાજુ રાજકોટ એસઓજીની એક ટીમ પીઆઈ એસ.એન. ગડુ, પીએસઆઈ સીસોદિયાની આગેવાની હેઠળ મોડી રાત્રીના ખરેડી ગામે દોડી  ગઈ હતી અને રેડની કામગીરી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો દ્વારા એકથી દોઢ વિઘા જેટલી વિશાળ જગ્યામાં લીલા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યાની આશંકા દર્શાવાઈ રહી છે.

Previous articleખાડિયામાં ૩૫ જુગારીઓ ઝડપાયા મુખ્ય સૂત્રધાર મોન્ટુ ગાંધી ફરાર
Next articleએલઆરડી પરિક્ષા માટે ખાસ બસો દોડાવાશે