ભાજપ સંકલ્પપત્ર : વડોદરા અને સુરતમાં મેટ્રો ટ્રેન શરૂ કરવા વચન

841
guj9122017-2.jpg

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન આવતીકાલે યોજાવા જઇ રહ્યું છે તેના પંદર કલાક પહેલા ભાજપે આજે તેનો સંકલ્પપત્ર વિધિવત્‌ રીતે જાહેર કર્યો હતો. ભાજપે અવિરત વિકાસ અને અડીખમ વિશ્વાસના સૂત્ર સાથે જાહેર કરેલા તેના સંકલ્પપત્રમાં ભાજપનું વિકાસ એન્જિન ૧૦ ટકાના ગ્રોથ રેટથી વધુ તેજગતિએ આગળ ધપાવવાની જાહેરાત કરી હતી. કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી, કેન્દ્રીય કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ, રાષ્ટ્રીય મહામંત્રી 
અનિલ જૈન, ગુજરાતના ચૂંટણી પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિતના મહાનુભાવોએ આજે વિધાનસભાની ચૂંટણી ૨૦૧૭ને લઇ ભાજપનો સંકલ્પપત્ર જાહેર કર્યો હતો. 
જેમાં સુરત-વડોદરામાં મેટ્રો ટ્રેન સેવા, મોટા શહેરોમાં એરકન્ડીશન્ડ બસ સેવા, કૃષિ આવક બમણી કરવા, ગૌહત્યાના કાયદાનું અસરકારક અમલીકરણ, ૨૦૨૨ સુધીમાં વેકટર-બોર્ન રોગ મુકત ગુજરાત સહિતના નવા વિકાસના સંકલ્પ અને ગુજરાતની જનતા માટે લોકકલ્યાણના કાર્યો અને આયોજનની જાહેરાત કરવામાં આવી હતી. એક રીતે જોવા જઇએ તો, ભાજપે પોતાના સંકલ્પપત્રમાં વિકાસનું તેનું વીઝન રિપીટ કર્યું છે.ભાજપના સંકલ્પપત્રના વિમોચન પ્રસંગે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું હતું કે, ભારત સહિત સમગ્ર વિશ્વ જયારે મંદીના માહોલ ગરકાવમાં થયેલું હતું, ત્યારે તેવા સમયે સમગ્ર વિશ્વમાં એક માત્ર ગુજરાત રાજયએ૧૦ ટકાના ગ્રોથ રેટથી તેનો વિકાસ દર જાળવી રાખ્યો હતો અને સફળતાભરી પ્રગતિ કર્યે રાખી હતી. દેશભરમાં ગુજરાત એક જ માત્ર એવું રાજય હતું, જે ડબલ ડીઝીટમાં એટલે કે, ૧૦ ટકાના ગ્રોથ રેટ પર વિકાસના પંથે આગળ ધપ્યુ હતું. એ પછી બીજા નંબરે મધ્યપ્રદેશનો ગ્રોથ રેટ ૮.૧ ટકા હતો, ચાઇના પણ ૬.૫ ટકાના વિકાસદર પર આવી ગયુ હતું. આમ, ગુજરાતના વિકાસ સામે સવાલો ઉઠાવતાં લોકોએ તેના ગ્રોથ રેટની ગતિ જોઇને સમગ્ર મામલાની ગંભીરતા સમજી લેવી પડશે એમ કહી જેટલીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું.  જેટલીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભાજપે તેના સંકલ્પપત્રમાં ગુજરાતની જનતા ખાસ કરીને યુવાઓ, ખેડૂતો, મહિલાઓ, સિનિયર સીટીઝનો સહિતના તમામ લોકોના કલ્યાણ અને વિકાસની વાત કરી છે. સાથે સાથે ગુજરાતની કૃષિલક્ષી, આરોગ્ય અને સ્વાસ્થ્ય, શિક્ષણ સહિતના મુદ્દાઓને પણ પ્રાધાન્યતા આપી તેમાં પણ નવી ઉંચાઇ હાંસલ કરવાના આયોજન કરાયા છે. દરમ્યાન ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપ કોંગ્રેસની માફક સપનોના સોદાગર બનીને ખોટા વાયદાબજાર આપી ગુજરાતની જનતાને છેતરવા માંગતી નથી. ભાજપ વિકાસના તેના પંથ પર ૧૦ ટકાના ગ્રોથ રેટથી વધુ તેજ ગતિએ આગળ ધપશે. વાઘાણીએ ગુજરાતને વંશવાદ, જાતિવાદ અને કોમવાદથી મુકત બનાવવાની જાહેરાત કરતાં વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના સંકલ્પપત્રમાં ગુજરાતની જનતા અને સમાજના તમામ વર્ગોને ધ્યાનમાં રાખી તેમના કલ્યાણ, ઉત્કર્ષ અને વિકાસ માટેની યોજના અને આયોજનો સમાવિષ્ટ કરાયા છે. જેમાં કૃષિની આવક બમણી, સુરત-વડોદરામાં મેટ્રો ટ્રેન સેવા, મોટા શહેરોમાં એરકન્ડીશન્ડ બસ સેવા, દરેક આદિવાસીઓને જમીન માલિકી, ગૌહત્યા કાયદાનો અસરકારક અમલ, જેનરીક દવાના વેચાણ કેન્દ્રોમાં વધારો, યુવાનોને રોજગાર અને કૌશલ્ય વિકાસ માટે આર્થિક સહયોગ, મહિલા સશિકતકરણ અને તેમની સુરક્ષા, ગુજરાતના ગામડાઓનો સર્વાંગી વિકાસ, ખેડૂતોને વ્યાજમુકત ધિરાણ, તેમને રાહત ભાવે ખાતર અને સિંચાઇના પાણી સહિતના અનેકવિધ મુદ્દાઓને આવરી લેવાયા છે. ભાજપ ગુજરાતની જનતાને ખોટા વચનો આપવામાં નથી માનતી પરંતુ પ્રજા માટે વિકાસની કેડી કંડારીને બતાવી છે અને તેને વધુ તેજ ગતિએ આગળ ધપાવીને બતાવશે. આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ૧૫૦ પ્લસના તેના લક્ષ્યાંકને હાંસલ કરી જવલંત વિજય મેળવશે તેવી આશા પણ જીતુ વાઘાણીએ વ્યકત કરી હતી. 

Previous article કોંગ્રેસ સરકાર ઉદ્યોગપતિઓની નહીં ગરીબ પ્રજાની હશે : રાહુલ
Next articleભરૂચમાં ૧૧૫ વર્ષના લખમાં બા એ કર્યુ મતદાન