ઘોઘાના સમુદ્ર કાંઠા પર ધુમ્મસનું ગાઢ આવરણ છવાયુ

876
bvn11122017-5.jpg

છેલ્લા કેટલાક દિવસોથી ઘોઘાના સમુદ્ર કાંઠાથી શરૂ કરીને છેક અલંગ સુધીના દરિયા કિનારા પર વસેલા ગામડાઓ તથા સમુદ્રમાં ર૪ કલાક ધુમ્મસની ગાઢ ચાદર છવાયેલી જોવા મળે છે. જેને લઈને લોકોમાં અનેક તર્ક-વિતર્કો થવા પામ્યા છે. 
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના સમુદ્રમાં તથા સમુદ્ર કાંઠે વસેલા ગામડાઓમાં એકાદ સપ્તાહ કરતા વધુ સમયથી ગાઢ ધુમ્મસનું આવરણ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત સમુદ્રની અંદર તેમજ કાંઠા પર વેસ્ટ કેમિકલની દુર્ગંધની સમસ્યા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી મિશ્ર હવામાનના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવા સાથોસાથ પવનની ગતિ ઘટતા ઘોઘાના સામાકાંઠે આવેલ દક્ષિણ ગુજરાતના દહેજ, અંકલેશ્વર, ભરૂચ જેવા ઔદ્યોગિક શહેરોના એકમોમાંથી છોડવામાં આવતા દુષિત ધુમાડાઓ સાગર પાર કરીને ઘોઘાના સમુદ્ર તટ પર છવાઈ રહ્યાં છે. આ બાબત આશ્ચર્યકારક અને અનોખી લાગે છે. પરંતુ દરિયાકાંઠે રહેતા લોકોના જણાવ્યા અનુસાર વર્ષના ચોક્કસ સમયગાળામાં આ પ્રકારની ઘટના ઘટે છે. વાતાવરણ સતત ડહોળાયેલું અને અસ્વચ્છ જોવા મળે છે. પરંતુ આજદિન સુધી દુષિત હવાઓનો સામનો ભાગ્યે જ કરવો પડતો હતો. પરંતુ આ નવી સમસ્યા ઉદ્દભવતા લોકોને આંખોમાં બળતરા થવી, ગળામાં બળતરા થવી, બેચેની લાગવી સહિતની ફરિયાદો વ્યાપક બની છે અને જેને લઈને લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર ખતરો તળાઈ રહ્યો છે. આ અંગે વધુ માહિતી આપતા ઘોઘા પંથકના માછીમારોના જણાવ્યા અનુસાર, વહેલી પરોઢે અને મોડીરાત્રે દરિયો ખેડવો ખુબ જોખમી પુરવાર થઈ રહ્યો છે. કારણ કે દરિયામાં ધુમ્મસનું પ્રમાણ વધુ હોય ૧૦ મીટરથી આગળ નિહાળવું મુશ્કેલ બની જાય છે. એવા સમયે મહાકાય શીપ તથા અન્ય જહાજો સાથે ગંભીર અકસ્માત સર્જાવાની ભીતી પણ પ્રબળ બને છે. સમુદ્રમાં જેમ આગળ વધીએ તેમ-તેમ આ સમસ્યા વધુ ઘેરી બને છે. આજદિન સુધી આ બાબતને લઈને સત્તાવાર તંત્રએ કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. પરંતુ નિયમિત દરિયો ખેડતા સાગરખેડૂઓના અભિપ્રાય મુજબ સમગ્ર સમસ્યા માટે દહેજ, ભરૂચ, અંકલેશ્વરના ભારેખમ ઉદ્યોગો જવાબદાર છે. ં

Previous articleદેશ-વિદેશમાં ખ્યાતનામ કલાગુરૂ ધરમશીભાઈ શાહનું નિધન
Next articleગાયત્રીધામ ખાતે ૧પમો સમુહ લગ્ન મહોત્સવ યોજાયો