જનતા ચૂંટણી માટે ઇવીએમ નહી બેલેટ પેપર જ ઇચ્છે છે

966
guj14122017-9.jpg

તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કોંગ્રેસના સિનિયર નેતા રાજ બબ્બર સહિતના રાજકીય નેતાઓએ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ઇવીએમ મશીનમાં ગડબડીની દહેશત વ્યકત કરી હતી ત્યારે આજે વધુ એક રાજકીય પક્ષ બહુજન મુકિત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ વી.એલ.માતંગ અને પ્રદેશ અધ્યક્ષ ગોવિંદભાઇ પરમારે ઇવીએમને લઇ ખુલ્લો વિરોધ જાહેર કર્યો હતો. બહુજન મુકિત પાર્ટીના આ નેતાઓએ વિધાનસભા ચૂંટણીમાં ઇવીએમના ઉપયોગ કરવાના ચૂંટણી પંચના નિર્ણયને વખોડી કાઢયો હતો અને જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ ઇવીએમનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વ મતદાન પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ ડગાવી રહી છે. દેશની જનતા આજે ચૂંટણી માટે ઇવીએમ નહી બેલેટપેપર ઇચ્છી રહી છે. આગામી દિવસોમાં બહુજન મુકિત પાર્ટી દ્વારા ઇવીએમ મુદ્દે લોકજાગૃતિ માટે આશ્ચર્યકારક કાર્યક્રમો આપવામાં આવશે. બહુજન મુકિત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ વી.એલ.માતંગ, તેલંગાણાના પક્ષના પ્રદેશ પ્રમુખ ચિંતાલા અને બહુજન મુકિત પાર્ટીના ગાંધીનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર કેયુરભાઇ આચાર્યએ જણાવ્યું હતું કે, બેલેટપેપરથી મતદાનની પધ્ધિતમાં સામાન્ય માણસનો તેણે કરેલા મતદાનમાં એક પ્રકારનો વિશ્વાસ રહેતો હતો પરંતુ હવે ઇવીએમમાં વિશ્વાસ અને મતદાન ગુપ્ત રહેવાની બાબત જળવાતી નથી. ચૂંટણી પંચ ઇવીએમમાં ગડબડીની વાતનો ઇનકાર કરી રહી છે પરંતુ તે વાત સ્વીકારે છે કે તેમાં ખામી સર્જાય છે. પરંતુ સુપ્રીમકોર્ટમાં ઇવીએમ અને વીવીપેટના મુદ્દે થયેલી કન્ટેમ્પ્ટપિટિશનમાં સુપ્રીમકોર્ટે વીવીપેટ મશીનનો ઉપયોગ ફરજિયાતપણે કરવા કરેલા આદેશ અનુસંધાનમાં ચૂંટણી પંચે વીવીપેટ મશીનનો ઉપયોગ કરવાની ફરજ પડી છે. તેમાં ચૂંટણી પંચની કોઇ પારદર્શિતા નથી.  
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિશ્વમાં અમેરિકા, જાપાન સહિતના વિકસીત દેશોમાં આજે પણ બેલેટપેપરની પધ્ધતિથી જ મતદાન થાય છે. આપણે તેમની વિકાસ અને ટેકનોલોજીનું અનુકરણ કરીએ છીએ તો, બેલેટપેપરની પારદર્શી અને વિશ્વસનીય મતદાન પધ્ધતિનું  અનુકરણ કેમ કરતા નથી એવો સવાલ પણ તેમણે ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશભરમાં ઇવીએમના મુદ્દે લોકોમાં જાગૃતિ કેળવાય અને સાચી હકીકતથી લોકો વાકેફ થાય તે માટે બહુજન મુકિત પાર્ટી આશ્ચર્યકારક કાર્યક્રમો યોજશે.