અમદાવાદ, તા.૧૪ (સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન દરમ્યાન આજે વડાપ્રધાન મોદીએ શહેરના રાણીપ વિસ્તારમાં નિશાન પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યા બાદ યોજેલા કથિત રોડ-શોને લઇ કોંગ્રેસે ભારે ઉહાપોહ મચાવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ રણદીપ સૂરજેવાલા, અશોક ગેહલોત, રાજીવ શુકલા સહિતના પ્રતિનિધિમંડળે મોદીના ચૂંટણી આચારસંહિતા ભંગના વલણને લઇ જોરદાર વિરોધ કર્યો હતો અને તાત્કાલિક તાબડતોબ કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ વિધિવત્ ફરિયાદ દાખલ કરી હતી. કોંગ્રેસના સિનિયર નેતાઓએ વડાપ્રધાન ચૂંટણી આચારસંહિતાના ભંગ બદલ ફરિયાદ નોંધી કાયદાનુસાર પગલા લેવા જોરદાર માંગણી કરી છે. આ
સમગ્ર મામલામાં કૂણું વલણ દાખવવા બદલ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રણદીપ સૂરજેવાલા અને અશોક ગેહલોતે ચૂંટણી પંચને આડા હાથે લઇ નાંખ્યું હતું કે, ચૂંટણી પંચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અંગત સચિવની જેમ વર્તી રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીટાણે મતદાનના સમયે બેવડા ધોરણો અપનાવી અને પક્ષપાતભર્યુ વલણ અખત્યાર કરી લોકશાહી મૂલ્યોની ધજ્જિયાં ઉડાવાઇ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ રણદીપ સૂરજેવાલા અને અશોક ગેહલોતે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યો હતો કે, ચૂંટણી પંચ એ વડાપ્રધાન મોદી અને વડાપ્રધાન કાર્યાલયના દબાણ હેઠળ કામ કરી રહ્યું છે. મોદીના આ પ્રકારે ચૂંટણી આચારસંહિતાના નિયમો અને લોકશાહીના મૂલ્યો ખરડાય તે પ્રકારે રોડ શો યોજી સમગ્ર રાષ્ટ્રના આત્માને દુભાવ્યો છે. પોલીંગ બુથ નજીક લોકોની સંખ્યા સહિતના નિયમોનો પણ સરેઆમ ભંગ થયો છે એટલું જ નહી, મોદીના રોડ શોમાં વહીવટી તંત્ર, પોલીસ મશીનરી, એસપીજીની સક્રિયતા વચ્ચે આચારસંહિતાનો સરેઆમ ભંગ થયો તે આઘાતજનક છે. ચૂંટણી પંચ દ્વારા પ્રસ્તુત કિસ્સામાં વડાપ્રધાન મોદી અને તેમના નેતાઓ વિરૂધ્ધ કોઇ કાર્યવાહી નહી કરીને જે પક્ષપાતભર્યુ વલણ દાખવાયું છે, તે ભારે કરૂણતા છે. મતદાન સમયે શાસકપક્ષના કોઇ વડાપ્રધાને આ પ્રકારે રોડ શો કરી ચૂંટણી આચારસંહિતાનો ભંગ કર્યો હોય તેવું દેશની લોકશાહીના ઇતિહાસમાં અગાઉ કયારેય બન્યું નથી. એક સ્વતંત્ર આર્બીટર હોવાછતાં ભારતીય ચૂંટણી પંચે તેની સ્થિતિ સાથે સમાધાન કરી લીધુ હોય તેવું પ્રતીત થઇ રહ્યું છે. શું એવું નથી લાગી રહ્યું કે, વડાપ્રધાન મોદી દ્વારા ચૂંટણી આચારસંહિતાનો અને બંધારણીય નિયમોનો સરેઆમ ભંગ કરાયો હોવાછતાં ચૂંટણી પંચ આંખો બંધ કરીને બેસી રહ્યું હોય? કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રણદીપ સૂરજેવાલા અને અશોક ગેહલોતે ચૂંટણી પંચ પર બેવડા ધોરણોનો ગંભીર આક્ષેપ કર્યો હતો કે, અમે ચૂંટણી પંચને વહેલી સવારથી આઠ વાગ્યાથી મળવાની અપોઇન્ટમેન્ટ માંગી છે પરંતુ ચૂંટણી પંચ કાર્યાલય તરફથી અમને સાંજના ચાર વાગ્યે બોલાવાયા છે. તે પરથી જ ચૂંટણી પંચની દાનત સ્પષ્ટ થઇ જાય છે કારણ કે, પાંચ વાગ્યે તો મતદાન બંધ થઇ જશે. વાસ્તવમાં ચૂંટણી પંચ બેવડા ધોરણો અને ભેદભાવભરી નીતિ અપનાવી રહ્યું છે. કારણ કે, રાહુલ ગાંધીના ઇન્ટરવ્યુ બદલ ખાનગી ગુજરાતી ચેનલો અને પત્રકારો વિરૂધ્ધ ફરિયાદની કાર્યવાહી ચૂંટણી પંચે હાથ ધરી છે અને રાહુલ ગાંધીને નોટિસ આપી છે તો, વડાપ્રધાન મોદીના કિસ્સામાં સત્તાધારીપક્ષ હોવાથી કોઇ પગલાં લેવાયા નથી, જે તમામ રીતે અયોગ્ય અને અસ્વીકાર્ય છે. ગુજરાત યુનિટે પણ સવારથી બે ફરિયાદો કરી છે પરંતુ તેમછતાં ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઇ પગલા લેવાયા નથી. જો સત્તાધારી પક્ષ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દબાણમાં આવીને જો ચૂંટણી પંચ કાર્યવાહી નહી કરે તો ચૂંટણીની સ્વતંત્ર અને નિષ્પક્ષ પ્રક્રિયા શંકાના ઓછાયા હેઠળ આવી જશે. કોંગ્રેસના આ સિનિયર નેતાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અરૂણ જેટલી, અમિત શાહ, પિયુષ ગોયેલ સહિતના ભાજપના નેતાઓ સામે ચૂંટણી આચારસંહિતાનો ભંગ થાય તે પ્રકારે પત્રકાર પરિષદ, ચૂંટણી ઢંઢેરો જાહેર કરવા સહિતની બાબતોના કૃત્ય બદલ ફરિયાદ દાખલ કરી કાયદાનુસાર પગલા લેવા અને ભારતીય બંધારણના ધર્મનું પાલન કરવા ચૂંટણી પંચને ભારપૂર્વકનો અનુરોધ કર્યો છે.