ઇવીએમ સાથે ચેડા કરી ભાજપ જીત્યું  : હાર્દિક પટેલ

821
guj-19-12-2017-2.jpg

ગુજરાત વિધાનસભા ચૂંટણીના અણધાર્યા અને ચોંકાવનારા પરિણામો જાહેર થયા બાદ પાસના યુવા નેતા હાર્દિક પટેલે ભાજપ પર જોરદાર આકરા પ્રહારો અને ગંભીર આક્ષએપ કરતાં જણાવ્યું હતું કે, ભાજપ ઇવીએમ સાથે ચેડાં કરીને અને બેઇમાનીથી આ ચૂંટણી જીત્યું છે. મેં પહેલેથી જ કહ્યું હતું કે, ઇવીએમ સાથે ચેડા થઇ શકે અને તેથી કોઇને સવાલ ઉઠાવવાનો મોકો ના મળે તે પ્રકારે ભાજપ ચૂંટણી જીત્યું છે. હાર્દિકે કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોને ઇવીએમ મુદ્દે એકસાથે મળીને લડત આપવા હાકલ કરી હતી. હાર્દિકે એટલે સુધી તમામ પક્ષોને અપીલ કરી હતી કે, તમામ પક્ષો ભવિષ્યમાં કોઇપણ ચૂંટણી ઇવીએમના સહારે  ચૂંટણી ના લડવી જોઇએ અને તેનો બોયકોટ કરવો જોઇએ. હાર્દિકે માત્ર ને માત્ર બેલેટપેપરથી જ મતદાનની પ્રક્રિયાનો વિકલ્પ અપનાવવા પુનરોચ્ચાર કર્યો હતો. ચૂંટણીના પરિણામો બાદ પાસના યુવા નેતા હાર્દિક પટેલ આજે બપોરે મીડિયા સમક્ષ આવ્યા હતા અને પત્રકારોને જણાવ્યું હતું કે, પરિણામો પરથી સ્પષ્ટ થયું છે કે ગુજરાતની જનતા જાગૃત થઇ છે પરંતુ હજુ વધુ જાગૃતતાની જરૂર છે. અમદાવાદ, રાજકોટ અને સુરતના કેટલાક મતવિસ્તારો કે જયાં પાટીદારોનું પ્રભુત્વ હતું અને આ વિસ્તારોમાં મારી સભા અને રોડ શોમાં આટલી બધી વિશાળ જનમેદની આવી છતાં મતો કેમ ના પડયા તે સૌથી મોટો અને વિચારવા જેવો પ્રશ્ન છે. મેં પહેલેથી જ કહ્યું હતું કે, ઇવીએમમાં ચેડાં શકય છે. કેટલાય વિસ્તારમાં વાઇફાઇ અને બ્લુટુથ કનેકટની ફરિયાદો મળી હતી, તો કેટલાય સ્થળોએ ઇવીએમ સીલ વિનાના ખુલ્લી હાલતમાં મળ્યા હતા. ઇવીએમને લઇ લોકોના મનમાં શંકા જન્મે તે બાબત જ લોકશાહીમાં દુઃખદ છે. હાર્દિક પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોએ ભેગા મળી ઇવીએમ સામે લડત ચલાવવી જોઇએ. ભાજપ સત્તા અને પૈસાના જોરે તેમ જ ઇવીએમમાં ચેડા કરીને આ સ્થિતિ પર પહોંચી છે. ઇવીએમમાં ચેડાં કરીને ભાજપ બેઇમાનીથી આ ચૂંટણી જીતી છે તેવો સીધો આક્ષેપ કરતાં પાસના યુવા નેતાએ જણાવ્યું હતું કે, અમે આંદોલનકારી છીએ એટલે, ભાજપ દ્વારા અમને પહોંચાડાનાર નુકસાન માટે અને જેલમાં જવા પણ તૈયાર છીએ.
મારું પાટીદાર અનામત આંદોલન ચાલી રાખીશ. તેણે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે, જો એટીએમમાં હેકીંગ થઇ શકતું હોય તો ઇવીએમમાં કેમ ના થઇ શકે. તેણે ફરી એ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો કે, જો ઇશ્વરે રચેલા આપણા માનવશરીરમાં ફેરફાર અને છેડછાડ થઇ શકતા હોય તો, માનવે બનાવેલા ઇવીએમમાં કેમ છેડછાડ ના થઇ શકે? હાર્દિકે ઇવીએમ મુદ્દે લડત જારી રાખવાની વાત પણ કરી હતી. તેણે આ ચૂંટણીમાં વિજયી બનેલા ઓબીસી યુવા નેતા અને કોંગ્રેસના ઉમેદવાર એવા અલ્પેશ ઠાકોર અને દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણીને જીત મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે, મને આશા છે કે, આ બંને યુવાનો પાટીદારોના અનામતનો મુદ્દો વિધાનસભામાં ઉઠાવશે. 
 

Previous article ચૂંટણીમાં ‘નોટા’એ બગાડયો ખેલ : કોંગ્રેસને અંતે હતાશા
Next article કોંગ્રેસે ગુજરાતમાં ચૂંટણી જીતવા માટેની સુવર્ણ તકને ગુમાવી દીધી