ત્રીપુટી આગામી દિવસોમાં દારૂ સામે જંગ માંડી પોલીસની ઉંઘ હરામ કરશે

751
gandhi30122017-2.jpg

અમદાવાદના ગોમતીપુર પોલીસ મથકની હદમાં ચાલતા દારૂના અડ્ડાઓ સામે તે વિસ્તારની મહિલાઓએ એ વિસ્તારના ધારાસભ્યને ફરીયાદ કરવાના બદલે વડગામના અપક્ષ ધારાસભ્ય અને દલિત આગેવાન જીજ્ઞેશ મેવાણીને ફરીયાદ કરતા જ જીજ્ઞેશ મેવાણીએ પોતાના ૨૦૦૦ જેટલા સમર્થકો સાથે ગોમતીપુર પોલીસ મથકને ઘેરી હલ્લોબોલ્લ કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત અકિલા પડયા છે. ગૃહખાતુ સફાળુ જાગ્યુ છે. રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા કે જેઓ આવતા માસના અંતે નિવૃત થાય છે. તે પણ જતા જતા પોતાને બદનામી ન મળે તે માટે રાજ્યભરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને દારૂના અડ્ડાઓ અકીલા સદંતર બંધ થાય તે માટે આદેશો આપ્યા છે. 
જીજ્ઞેશ મેવાણીએ ગોમતીપુર પોલીસ મથકને ઘેરી અને જે રીતે કાર્યવાહી કરાવી તેનાથી લોકોનો જે પ્રતિસાદ મળ્યો તે બાદ હવે તેણે ગુજરાતભરમાં દારૂના અડ્ડાઓ સામે જોરદાર લડત આપવાનો નિર્ધાર કર્યો છે. 
જીજ્ઞેશ મેવાણીએ પોતાની આ લડતમાં દારૂના અડ્ડાઓ સામે જંગે ચડનાર અલ્પેશ ઠાકોરને પણ પોતાની લડતમાં સામેલ કરવા સાથે પાસના અગ્રણી હાર્દિક પટેલને પણ આ લડતમાં આગળ રહેવા સૂચવનાર હોવાનું ટોચના સૂત્રો જણાવે છે. 
જીજ્ઞેશ મેવાણી હવે ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને જે રીતે પછડાટ મળી તે જ રીતે શહેરી પ્રજાના મગજમાં ભાજપ વિશે જે ભ્રમ પ્રવર્તે છે તે ભ્રમ કાયદો વ્યવસ્થાની કથળી ગયેલી પરિસ્થિતિના વાસ્તવિક દર્શન કરાવી ભાંગી નાખવા માગે છે. 
શહેરી વિસ્તારોમાં દારૂબંધીની સરકારી નીતિ કેવી ખોખલી છે? અને ગુજરાતને જોડતા વિવિધ રાજ્યોની હદવાળા વિસ્તારોમાંથી દારૂના ટ્રકના ટ્રક કેવી રીતે આસાનીથી ઘુસે છે ? તેનુ પણ નિદર્શન કરાવવા માગે છે. જીજ્ઞેશ મેવાણીની આ રીતે હલ્લાબોલ્લ કરી પોલીસની કામગીરીમાં રૂકાવટ કરવાની નીતિરીતિ સામે કોઈની પણ શેહશરમ રાખ્યા વગર ફરજ બજાવતા અમદાવાદના પોલીસ કમિશ્નરે સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો છે. 
તેઓનુ કથન એવુ છે કે, જીજ્ઞેશ મેવાણીને આ બાબતે કોઈ ફરીયાદ હોય તો પોતાને મળવું જોઈએ. તેઓએ વિશેષમાં એમ પણ જણાવેલ કે ધારાસભ્ય તો શું હું સામાન્ય માણસ આવે તો પણ તેમની રજૂઆત સાંભળી યોગ્ય પગલા લેવડાવું છું. તેઓની રજૂઆત ભલે કદાચ સાચી હોય પણ રજૂઆતની રીત ખોટી છે. દરમિયાન અમદાવાદના એક પોલીસપ્રેમી નાગરીક વિષ્ણુભાઈ ઠાકોર પોેલીસના સમર્થનમાં મેદાને ઉતર્યા છે. 
તેઓએ અમદાવાદના પોલીસ કમિશ્નરને બે પાનાનો પત્ર પાઠવી અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તથા તેમના સમર્થકોએ જે રીતે અમદાવાદના ગોમતીપુર પોલીસ મથકનો ઘેરાવ કરી પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કર્યો તે બદલ તેની સામે ગુન્હો દાખલ કરવા માંગણી કરી છે. 
પત્રમાં જીજ્ઞેશ મેવાણીને સંબોધીને એવુ પણ જણાવ્યુ છે કે, જીજ્ઞેશે માત્ર પોલીસને ટાર્ગેટ બનાવવાના બદલે આવા દારૂના ધંધાર્થીઓને પોષતા રાજકીય આગેવાનો સામે પણ હલ્લાબોલ કરવો જોઈએ. પત્રમાં જે રીતે જીજ્ઞેશ મેવાણી દ્વારા પોલીસ વિરૂદ્ધ જે ભાષાનો ઉપયોગ થાય છે તે સામે પણ વિષ્ણુભાઈ ઠાકોરે સ્પષ્ટ નારાજગી દાખવી જીજ્ઞેશ મેવાણી વિરૂદ્ધ વિધાનસભામાં ફરીયાદ રીપોર્ટ રજુ કરવા જણાવ્યુ છે.(જો કે સૂત્રોના કથન મુજબ પોલીસ કમિશ્નર દ્વારા આવો રીપોર્ટ રજુ પણ થઈ ચૂકયો છે). 
નવાઈની વાત એ છે કે, આ વિસ્તારના લોકોની સમસ્યા ઉકેલવા આ વિસ્તારના ધારાસભ્યો કે રાજકારણીઓ આગળ ન આવતા લોકોએ વડનગરના અપક્ષ ધારાસભ્યને ફરીયાદ કરવી પડી અને અપક્ષ ધારાસભ્યએ પ્રશ્ન ઉઠાવ્યો તે બાબત પણ ચર્ચાનો વિષય બનવા સાથે અંદરોઅંદર મતભેદ જાગે તેવી ચર્ચાઓ છે. યોગાનુયોગ આવી ગંભીર ઘટના સમયે ક્રાઈમ બ્રાન્ચ નિયત સમય કરતા મોડી પહોંચી એ બાબતે પણ અનેક સવાલો ઉઠયા છે.
ટૂંકમાં કહીએ તો હવે જીજ્ઞેશની રણનીતિ સામે પોલીસ પણ ગાંધીનગરની સૂચના મુજબ પોલીસ મથકના ઘેરાવ સમયે ગુન્હા દાખલ કરાવી સામો મોરચો માંડે તેવા દિવસો દૂર નથી.