ખેડુતોની માંગ બાદ સુજલામ સુફલામ માઇનોર કેનાલમાં પાણી છોડાયું

766
gandhi-1-1-2018-3.jpg

જિલ્લામાં રવિપાકની તૈયારી ચાલી રહી છે ત્યારે બે દિવસ પહેલા બાલવા ગામ પાસેથી પસાર થતી સુજલામ-સુફલામ કેનાલમાંથી પાણીનો પૂરવઠો બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારમાં અનેક કિસાનો મુસીબતમાં મુકાયા હતા. ત્યારબાદ કિસાનોએ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆતો કરતા આખરે માઈનોર કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો છે.
ગુજરાતને સમૃધ્ધ અને હરીયાળુ બનાવવા નાગરીકોનાં ખિસ્સાનાં અબજો રૂપીયાનાં ખર્ચે રાજયમાં તૈયાર કરવામાં આવેલી સુઝલામ સુફલામ કેનાલ તથા નર્મદા ડેમ પર વર્ષોથી રાજકારણ થતુ આવ્યુ છે. પરંતુ ખેડુતોને સમયસર લાભ મળ્યો નથી. ત્યારે હાલ રવી વાવેતરમાં પાણીની જરૂરીયાત છતા પાણી ન છોડાતા ખેડુતોએ માંગ ઉઠાવી હતી. દિવ્ય ભાસ્કર ખેડુતોનો અવાજ બન્યુ હતુ અને બે દિવસમાં પાણી છોડવાની ખાતરી આપ્યા બાદ શુક્રવારે માણસા વિસ્તારની કેનાલમાં આવક શરૂ થઇ ગઇ હતી.
નર્મદા ડેમનાં દરવાજા વડાપ્રધાનનાં હસ્તે બંધ કર્યા બાદ શિયાળુ વાવેતર માટે સમયસર પાણી મળવાની ખેડુતોને આશા હતી. કારણ કે ગત વર્ષોમાં પણ પાણી સમયસર ન મળવાની સમસ્યા હતા. પરંતુ સરદાર સરોવરનું કામ ચાલુ હોવાથી બહાના મળી જતા હતા. હવે કામગીરી પુર્ણ થઇ ગયા બાદ સમયસર ખેડુતોને પાણી મળી જવુ જોઇતુ હતુ. પરંતુ ડીસેમ્બરનાં અંતિમ સપ્તાહ સુધી કેનાલમાં પાણી ન છોડાતા માણસા પંથકનાં ખેડુતોમાં કચવાટ શરૂ થયો હતો.
બાલવાનાં ખેડુત આગેવાન ભરતભાઇ ચૌધરીએ ખેડુતોની આ માંગણી તંત્ર સમક્ષ મુક્યા બાદ નિવેડો ન આવતા દિવ્ય ભાસ્કર સાથે વાતચિત કરી હતી. અખબારો તેમજ માધ્યમોએ ખેડુતોનો અવાજ બનીને ખેડુતોની માંગણી સમાચાર રૂપે પ્રસિધ્ધ કરી હતી. જેના બિજા જ દિવસે કેનાલ તંત્રએ ખેડુતોને જણાવ્યુ હતુ કે બે દિવસમાં પાણી છોડી દેવામાં આવશે. જે ઉપરાંત માણસાનાં પુર્વ ધારાસભ્ય અમિતભાઇ ચૌધરી દ્વારા પણ બુધવારે ખેડુતોની માંગણી મુખ્યમંત્રી સુધી પહોચાડવામાં આવી હતી.અને ખેડૂતોની ચિંતા અને પાકમાં પાણીની તાતી જરૂરીયાતના પગલે વહેલાસર પાણી છોડવા રજુઆત કરવામાં આવી હતી.