શહેરમાં એક તરફ પ્લાસ્ટિક ઝુંબેશ બીજી તરફ સ્વર્ણિમ સંકુલ સહિત પ્લાસ્ટિકનો ઉપયોગ અને વેચાણ

1028
gandhi-1-1-2018-6.jpg

ગાંધીનગર શહેરમાં એક તરફ પ્લાસ્ટિક પકડવા માટે ઝુંબેશ ચાલી રહી છે બીજી તરફ હોલસેલ વેપારીના ત્યાં પ્લાસ્ટિકનું ધુમ વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. કેટલીક ચા ની કીટલીઓ તો ઠીક પણ સરકાર જયાં બેસે છે ત્યાં સ્વર્ણિમ સંકુલમાં પણ પ્લાસ્ટીકનો ધૂમ ઉપયોગ થઈ રહ્યો છે. જેથી શરૂઆત સ્વર્ણિમ સંકુલના પ્લાસ્ટિક જપ્ત કરવાથી થાય તેવી પ્રજામાં માંગ ઉઠી છે. 
ગાંધીનગર શહેરમાં પ્લાસ્ટિકની બેગ સહિત ૪૦ માઈક્રોનથી ઓછી પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ વાપરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે ત્યારે તેના વધેલા ઉપયોગના પગલે કોર્પોેરેશનની ટીમ દ્વારા ઠેકઠેકાણે તપાસ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવી રહયું છે ત્યારે સે-૬ અને ૭માંથી વધુ ર૩ કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કરવાની સાથે ૭૦૦ જેટલા ચા માટે વપરાતા પ્લાસ્ટિકના નાના કપ પણ જપ્ત કરવામાં આવ્યા છે. આ કામગીરીના પગલે વેપારીઓમાં ફફડાટ પણ ફેલાયો છે. 
ગાંધીનગર શહેરને પ્લાસ્ટિક ફ્રી સીટી જાહેર કરવામાં આવ્યું છે પરંતુ છેલ્લા ઘણાં મહિનાથી પ્લાસ્ટિકનો ઉપયોગ બેફામપણે વધી ગયો છે. કોર્પોરેશન દ્વારા ૪૦ માઈક્રોનથી નાની પ્લાસ્ટિકની બેગ નહીં વાપરવા માટે વેપારીઓને તાકીદ કરવામાં આવી હતી એટલું જ નહીં ૪૦ માઈક્રોનથી વધુ માત્રાની પ્લાસ્ટિકની બેગ વાપરવા માટે કોર્પોરેશન પાસેથી લાયસન્સ મેળવી લેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી તેમ છતાં આ આદેશનું કોઈ પાલન થતું નહોતું અને વેપારીઓ બેફામપણે તેનો ઉપયોગ કરતાં હતા. જેના પગલે મ્યુનિ.કમિશનર દ્વારા ફરીવાર પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા માટે તેમજ તેનો ઉપયોગ ઘટાડવા ફાયર ઓફિસર મહેશ મોડને જવાબદારી સોંપી કામગીરી કરવા માટે તાકીદ કરી હતી. જેના પગલે તેમની ટીમો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વિવિધ સેકટરોમાં તપાસ કરીને પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવી રહયું છે. 
પ્રથમ દિવસે જ ઈન્ફોસીટીમાંથી ૪પ કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત  કર્યા બાદ ગઈકાલે સે-૧થી ૪માંથી દસ કિલો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું. ત્યારે આજે શહેરના સે-૬ અને ૭માં વિવિધ દુકાનો અને લારીગલ્લાઓમાં તપાસ કરીને ર૩ કિલો જેટલા પ્રતિબંધિત પ્લાસ્ટિકના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે. ચા માટે વપરાતાં નાના પ્લાસ્ટિકના ૭૦૦ જેટલા કપ પણ આ ટીમોએ જપ્ત કર્યા છે. હજુ આગામી દીવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમજ ઉત્તરાયણના તહેવારને ધ્યાને રાખી પ્લાસ્ટિકના પતંગ પણ પકડવામાં આવશે.

Previous article ખેડુતોની માંગ બાદ સુજલામ સુફલામ માઇનોર કેનાલમાં પાણી છોડાયું
Next article ૩૧ ડિસેમ્બર માટેનો દારૂનો જથ્થો પકડાયો