બગદાણા નજીકના ધરાઈ ગામ ખાતે ગ્રામજનો દ્વારા નિવૃત્ત શિક્ષક કરણાભાઈ માણસુરભાઈ ભમ્મરનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. આ ગામમાં ૩૭ વર્ષ સુધી શિક્ષણ સેવા આપનાર શિક્ષકના આ સન્માન સમારંભમાં ગામ આખુ ઉત્સાહભેર જોડાયું હતું. ધરાઈ વિકાસ સમિતિ-સુરત તેમજ ગ્રામજનો દ્વારા યોજાયેલા આ પ્રેરક સન્માન સમારોહમાં નવનિયુક્ત આચાર્ય રાજેશભાઈ ભમ્મરનો સત્કાર સમારોહ પણ યોજાયો હતો. પૂ.આત્માનંદ સરસ્વતીજીના અધ્યક્ષસ્થાને યોજાયેલા અભિવાદન સમારોહમાં ગુરૂઆશ્રમ બગદાણાના પૂ.મનજીદાદા, અંબિકા આશ્રમ-નવા સાંગાણાના પૂ.રમજુબાપુ, લોકસાહિત્યકાર માયાભાઈ આહિર, મેરાણભાઈ ગઢવી, ગુરૂઆશ્રમના ટ્રસ્ટીઓ વનરાજસિંહ જાડેજા, રામસિંહભાઈ ચુડાસમા, પ્રમુખ નરશી આતા, ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી સહિતના ઉપસ્થિત રહ્યાં હતા. આ નાનકડા એવા ગામના રપ૦ ઉપરાંત નોકરીમાં જોડાયા છે. ઉચ્ચ પદો પર પણ સેવા બજાવે છે. ધરાઈ મહિલા મંડળ, ગ્રામજનો, શિક્ષકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જ્ઞાતિ શ્રેષ્ઠીઓએ સેવા નિવૃત્ત થતા કરણાભાઈને સન્માનિત કરીને બિરદાગવ્યા હતા. સન્માનનો પ્રત્યુતર આપતા કરણાભાઈ ભમ્મરે કહ્યું કે, હું સંજોગો એવા ઉભા કરૂ છું કે, જેથી શાળામાં બાળકો ભણે, શિખે-કેળવા અને આગળ વધે..!



















