દેશમાં ગુજરાત ભલે સુરક્ષિત રાજ્યોમાંનું એક ગણાતું હોય, પરંતુ ટ્રાફિકના નિયમોની વાત આવે તો ગુજરાતમાં ૮૩% લોકો ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરતા રહે છે. ખાસ કરીને પોતાની સુરક્ષા માટે જરૂરી એવી હેલમેટ પહેરવામાં તો ગુજરાતીઓ ક્યારેક હરખ દેખાડતા નથી અને તેને કારણે ટ્રાફિકના નિયમોના ભંગમાં હેલમેટ ન પહેરવાનો ગુનો વધુ નોંધાય છે.
દિલ્હી ઇન્ટીગ્રેટેડ મલ્ટી મોડેલ ટ્રાન્ઝીસ્ટ સિસ્ટમ દ્વારા થયેલા સરવે પ્રમાણે ૨૦૧૬ના વર્ષમાં ૮૧૩૬ ગુજરાતીઓએ રોડ અકસ્માતમાં જીવ ગુમાવ્યા હતા. મોટા ભાગના મૃતકોએ જીવ ગુમાવ્યા તે પાછળ હેલમેટ ન પહેરી હોવાનું કારણ મુખ્ય રહ્યું છે. રાજકોટમાં ૯૭% વાહન ચાલકો હેલમેટ પહેરવામાં માનતા નથી કે સીટ બેલ્ટ પહેરવામાં માનતા નથી!
સંસ્કારી નગરી તરીકે જાણિતા વડોદરા ગુનામાં બીજા ક્રમે છે. વડોદરાના ૯૧% વાહનચાલકો ટ્રાફિકના એ નિયમનો ભંગ કરતા જોવા મળે છે. ગુજરાતના ચાર મહાનગરોના આંકડા જોઇએ તો આ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓમાં રાજકોટ પહેલા નંબરે આવે છે. જો કે નિયમભંગ કરનારાઓમાં અમદવાદી પુરુષો ૯૭% છે, તો મહિલાઓ ૯૩% છે. જ્યારે વડોદરાની વાત કરીએ તો મહિલાઓ પૂરુષો કરતાં આગળ રહી છે, ટ્રાફિકના નિયમની ઐસી કી તૈસી કરવામાં! ૯૧% પુરુષો અને ૯૬% મહિલાઓ વડોદરમાં ટ્રાફિકના નિયમોની ધજ્જીયા ઉડાડતા હોય છે!
અમદાવાદીઓ નિયમભંગમાં ચોથા ક્રમે છે, પણ ત્યાં પણ મહિલાઓ પુરુષોને કાઢી ગઇ છે. ૬૫% પુરુષો અને ૭૮% મહિલા વાહનચાલકો અમદાવાદમાં હેલમેટ પહેરવી કે સીટ બેલ્ટ પહેરવામાં માનતા નથી! જ્યારે સુરતી પુરુષો અને મહિલાઓ સમોવડિયા છે. ૮૮% પુરુષ અને ૮૮% મહિલા વાહનચાલકો સુરતના રસ્તા પર બિન્ધાસ્ત ફરતા રહે છે. ટ્રાફિક પોલીસ ભલેને દંડૂકા ઉછાળ્યા કરતો!