પતંગમાં ભાવ વધારો છતા રસિયાઓ પતંગ-દોરીની ખરીદીમાં મશગૂલ બન્યા

1125
guj812017-7.jpg

ઊતરાયણના આડે હવે માંડ એક અઠવાડિયુ માંડ બાકી રહ્યું છે ત્યારે પતંગ-દોરીના બજારમાં ખરીદીની ભીડ જોવા મળી રહી છે. જો કે, આ વખતે જીએસટીના કારણે અને પતંગ બનાવવા માટે વપરાતી દાંડીઓના ભાવમાં ત્રણથી ચાર ગણો વધારો ઝીંકાવાના કારણે પતંગનો માલ માર્કેટમાં અગાઉના વર્ષોની સરખામણીમાં ઓછો આવ્યો છે, જેના કારણે આ વખતે પતંગ-દોરીના ભાવોમાં ૨૦થી ૩૦ ટકા સુધીનો વધારો નોંધાયો છે. કાચા મટીરીયલ્સ વધુ મોંઘુ બનતાં આ વખતે પંતગના ભાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ ભાવવધારા છતાં પતંગરસિયાઓ પતંગ-દોરીની ખરીદી કરવામાં મશૂગલ બન્યા છે. હજુ બે-ત્રણ દિવસ પછી પતંગ-દોરીના બજારમાં ભારે ધસારો જોવા મળશે તેવી પતંગબજારના  વેપારીઓ-દુકાનદારો આશા સેવી રહ્યા છે. 
અમદાવાદીઓ તહેવારોની મજા માણવામાં કયારેય પાછા પડતા નથી અને તેમાંય ઊતરાયણની વાત હોય તો પૂછવું જ શું, અમદાવાદીઓ મન મૂકીને આ વખતે પણ ઊતરાયણની મોજ માણવાના મૂડમાં છે. શહેરના કાલુપુર વિસ્તારના પતંગ ઉત્પાદક અને હોલસેલ વેપારીએ જણાવ્યું હતું કે, પતંગ બનાવવા માટે વાંસની જે દાંડીઓનો ઉપયોગ થાય છે તે પશ્ચિમ બંગાળમાંથી મોટાભાગે આવતી હોય છે અને આ વખતે જીએસટીના કારણે ભાવવધારાની અસર વર્તાઇ હોઇ આ દાંડીનું વેચાણ કરતા વેપારીઓએ તેના ભાવમાં વધારો કરી દીધો છે. ગત વર્ષે ૧૦૦૦ પતંગો માટેની દાંડીઓનો ભાવ રૂ.૩૦૦ જેટલો હતો, તે આજે વધીને રૂ.૮૦૦થી રૂ.૯૦૦ સુધીનો થઇ ગયો છે. જીએસટીના કારણે બીલ, જીએસટી નંબરની ગૂંચવણો અને જટિલતાના કારણે પતંગ માર્કેટના કેટલાક નાના વેપારીઓએ પણ આ વખતે પતંગ બજારમાં ઝંપલાવવાનું ટાળ્યું છે. પતંગ બનાવવાની દાંડીઓ સપ્લાય કરવામાં પશ્ચિમ બંગાળની મોનોપોલી છે પરંતુ આ વખતે ત્યાં પણ વાંસનું ઉત્પાદન નબળુ રહ્યું હોવાથી દાંડીના ભાવમાં સ્વાભાવિક રીતે વધારો નોંધાયો છે. બીજીબાજુ, ભાવ વધારા છતાં પતંગ બજારમાં પતંગરસિયાઓની ભીડ અને ઉત્સાહ યથાવત્‌ રીતે જોવા મળ્યા છે, અલબત્ત, આંશિક અસર વર્તાઇ છે પરંતુ અમદાવાદીઓ તેમના મોજીલા સ્વભાવ પ્રમાણે તહેવારોની ઉજવણી કરવામાં પાછીપાની કરતા નથી કે, કચાશ રાખવાનું માનતા નથી. પતંગ બજારમાં આ વખતે રૂટીન પતંગ, ચીલ સાઇઝ અને નોર્મલ સાઇઝનો ભાવ એક કોડીના રૂ.૬૦-૮૦થી લઇ રૂ.૧૫૦ અને તેથી વધુનો ચાલી રહ્યો છે. તો મોંઘા પતંગ અને ઢાલના ભાવ અનુક્રમે નંગ દીઠ રૂ.૨૫થી લઇ રૂ.૬૦ અને રૂ.૧૦૦-૧૫૦સુધીના ચાલી રહ્યા છે. પતંગ બજારમાં આ વખતે કાર્ટૂન ફિલ્મો, હીરો-હીરોઇન સેલિબ્રીટી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બાહુુબલી સહિતના અવનવા, રંગબેરંગી અને અદ્‌ભુત આકર્ષક પતંગોની બોલબાલા છે. તો તુક્કલ અને ફુગ્ગાઓનું તેના વર્ગ પ્રમાણે સારુ એવું વેચાણ થઇ રહ્યું છે. આ જ પ્રકારે દોરીના ભાવોમાં પણ ૨૦ થી ૨૫ ટકાનો ભાવવધારો નોંધાયો છે.
જીએસટીની સીધી અસર દોરીના ભાવ પર પણ પડી છે. તો, હાથથી ઘસેલી દોરી અને ડોઘલામાં રંગાતી દોરીના ભાવોમાં પણ તે પ્રમાણેનો વધારો જોવા મળી રહ્યો છે પરંતુ ઊતરાયણને આડે હવે ગણતરીના દિવસ બાકી હોઇ પતંગરસિયાઓ લાંબી લાઇનો લગાવીને પણ શહેરના વિવિધ વિસ્તારોમાં દોરી રંગવાની ખાસ હથોટી ધરાવતાં વેપારીઓ પાસે દોરી રંગાવવામાં પડયા છે. આજે રવિવાર હોઇ પતંગબજારમાં પતંગરસિયાઓની સારી એવી ભીડ જોવા મળી હતી.

Previous articleતખ્તેશ્વર : નૃત્ય સાથે ૧૨૫ વર્ષની ઉજવણી
Next articleગુજરાતભરમાં ઠંડીનો તીવ્ર ચમકારો : નલિયામાં ૮.૫