દિહોરમાં યુવાનનો હત્યારો શિક્ષક ઝડપાયો

719
bvn912018-16.jpg

તળાજા તાલુકાના દિહોર ગામે ગત મોડીરાત્રે મેઈનબજારમાં કોળી યુવાનની ક્રુર હત્યા કરેલી લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા તળાજા પોલીસ, એલસીબી સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને બનાવની તપાસ હાથ ધરતા યુવાનની હત્યા કરનાર શિક્ષકને ગણતરીથી કલાકોમાં પોલીસે ઝડપી લીધો છે.
પ્રાપ્ત વિગત મુજબ, તળાજા તાલુકાના દિહોર ગામે રહેતા અનિલભાઈ મનુભાઈ બારૈયા ઉ.વ.રર જે ગામના શિક્ષક સુંદરજી વલ્લભભાઈ ધાંધલ્યાની વાડીમાં ભાગ્યું રાખી કામ કરતો હતો. યુવાનને ગતરાત્રિના સમયે દિહોર ગામની બજારમાં કોઈ ઈસમોએ ક્રુરતાપૂર્વક તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી હતી. બનાવની જાણ થતા તળાજા પોલીસ મથકના પીઆઈ પટેલીયા તથા એલસીબી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે મૃતકના ભાઈ કિશોરભાઈ બારૈયાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરતા અને હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કરતા મૃતક અનિલ જેની વાડીમાં ભાગ્યું રાખી કામ કરતો હતો તે શિક્ષક સુંદરજી વલ્લભભાઈ ધાંધલ્યાએ હત્યા કરી હોવાનું જણાઈ આવતા પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો હતો અને સુંદરજીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, મૃતક અનિલને તેની બહેન સાથે આડાસંબંધ હતા. સુંદરજીની બહેનની સગાઈ થઈ ગઈ હતી. જેમાં મૃતક યુવાન આડો આવતો હોય જેથી હત્યા કરી હોવાની કબુલાત આપી હતી. બનાવ અંગે પોલીસે શિક્ષક સુંદરજી ધાંધલ્યાની ધોરણસર ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

યુવાનની હત્યાના પગલે કોળી સમાજ હોસ્પિટલ દોડી ગયો
દિહોર ગામે ગત મોડીરાત્રે કોળી યુવાનની ક્રુર હત્યા થઈ હોવાની જાણ થતા કોળી સમાજ મોટીસંખ્યામાં એકત્રિત થઈ હોસ્પિટલ પી.એમ. રૂમે દોડી ગયો હતો અને તુરંત હત્યારાને પકડવા ઉગ્ર માંગ કરી હતી. જો કે પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારાને ઝડપી લઈ હત્યાના ભેદને ઉકેલી નાખ્યો છે.