આરટીઇ એકટનો અમલ નહી કરનારી શાળા સામે પગલાં લો

731
guj1012018-12.jpg

રાઇટ ટુ એજયુકેશન એકટની અમલવારી અંગેની જાહેરહિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન ગુજરાત હાઇકોર્ટે આજે રાજય સરકારને બહુ સ્પષ્ટ શબ્દોમાં આ કાયદાની ભારે કડકાઇ અને ચુસ્તતાપૂર્વક અમલ કરાવવા નિર્દેશ કર્યો હતો. હાઇકોર્ટે સરકારને સાફ શબ્દોમાં સુણાવી દીધું હતું કે, રાજયની જે શાળાઓ રાઇટ ટુ એજયુકેશન(આરટીઇ) એકટનો અમલ ના કરે તેઓની વિરૂધ્ધ તાત્કાલિક જરૂરી પગલાં લઇ કાર્યવાહી કરો. હાઇકોર્ટે રાજયની શાળાઓમાં સમાજના ગરીબ અને નબળા વર્ગના બાળકો માટે ૨૫ ટકા અનામત રાખવાની અને તેની પર આવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જોગવાઇ કરતા આરટીઇ એકટના અસરકારક અમલ માટે સરકારને ફરમાન કર્યું હતું. આરટીઇ એકટની અમલવારી અંગેના કેસમાં હાઇકોર્ટે રાજયની નવી શાળાઓમાં પણ રાઇટ ટુ એજયુકેશન એકટની જોગવાઇ મુજબ ગરીબ અને નબળા વર્ગના બાળકો માટે ૨૫ ટકા બેઠકો અનામત રાખવા અને આવી બેઠકો પર આવા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવા પણ કડક તાકીદ કરી હતી. હાઇકોર્ટે સરકારને આ કાયદાનો રાજયભરની શાળાઓમાં ભારે ચુસ્તતાપૂર્વક અમલ કરાવવાનો સ્પષ્ટ નિર્દેશ કરતાં જણાવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ આરટીઇ એકટ હેઠળ પ્રવેશથી વંચિત રહી ગયા હોય  તેવા બાળકોને પ્રવેશ અપાવવા માટે સરકારના સત્તાવાળાઓ યોગ્ય કાર્યવાહી કરે. સાથે સાથે રાઇટ ટુ એજયુકેશન એકટનો અમલ નહી કરનારી રાજયની કસૂરવાર શાળાઓ વિરૂધ્ધ તાત્કાલિક ધોરણે જરૂરી કાર્યવાહી કરવા અને શિક્ષાત્મક પગલાં લેવા પણ હાઇકોર્ટે સરકારને ફરમાન કર્યું હતું. હાઇકોર્ટે એવી તાકીદ પણ સરકારને કરી હતી કે, શાળાની મંજૂરી અપાયા બાદ તેની માહિતી ઓનલાઇન વાલીઓને મળી રહે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. એટલું જ નહી, કઇ શાળાઓમાં કેટલી બેઠકો ખાલી છે, તેની માહિતી પણ વેબસાઇટ મારફતે ઉપલબ્ધ બનાવવી જોઇએ કે જેથી વાલીઓને તેમના બાળકોના પ્રવેશમાં સરળતા રહે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી હતી. 

Previous articleરૂપાણી-ઈન્દ્રનીલને ૧૮મી જાન્યુ.સુધી ચૂંટણીખર્ચનો હિસાબ રજૂ કરવા આદેશ
Next articleનારણપુરા વરદાન ટાવરમાં આગ, ૪ના મોત