નારણપુરા વરદાન ટાવરમાં આગ, ૪ના મોત

710
guj1012018-8.jpg

શહેરના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવરમાં નીચે આવેલી એક કરિયાણાની દુકાનમાં આજે વહેલી સવારે લાગેલી આગમાં એક જ પરિવારના ચાર વ્યકિતઓના મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ કરૂણ દુર્ઘટનામાં ચૌધરી દંપતિ, તેમના બે વર્ષના પુત્ર સહિત ચાર વ્યકતિઓના કરૂણ મોત નીપજયા હતા. આ પરિવારની સાત વર્ષની પુત્રી તેના ફોઇના ઘેર રહેતી હોવાથી તેનો બચાવ થઇ ગયો હતો. એક જ પરિવારના ચાર સભ્યોના મોતની ઘટનાને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ હરકતમાં આવી ગયું હતું અને આ ટાવરમાં ગેરકાયદે દિવાલ સહિતના બાંધકામને દૂર કરવાની કામગીરી તાબડતોબ હાથ ધરી હતી. કારણ કે, આ દિવાલના કારણે જ ફાયરસેફ્ટીની સુવિધા હોવાછતાં તેનો સમયસર ઉપયોગ શકય બન્યો ન હતો. ચકચારભર્યા આ બનાવની વિગત એવી છે કે, નારણપુરા વિસ્તારમાં આવેલા વરદાન ટાવરમાં નીચેની સાઇડ કેટલીક દુકાનો આવેલી છે, જેમાં ક્ષેમકરી પ્રોવિઝન સ્ટોર્સ નામની  કરિયાણાની દુકાન આવેલી છે, દુકાનમાં જ એક રૂમ બનાવી ચૌધરી પરિવાર તેમાં રહેતો હતો. આ સમગ્ર દુકાનમાં એક માત્ર શટરવાળી સાઇડ જ ખુલ્લી હતી, બાકી આખી દુકાનમાં કયાંય વેન્ટીલેશન કે બારી સુધ્ધાં ન હતી. દરમ્યાન આજે વહેલી સવારે કોઇક કારણસર વિકરાળ આગ લાગતાં આ પરિવાર દુકાનની અંદર જ ફસાઇ ગયો હતો. દુકાનમાં મોટાપાયે આગનો ધુમાડો અને જવાળાઓની લપટો પ્રસરી જતાં ચૌધરી પરિવાર તેમાં ફસાઇ ગયો હતો અને ગૂંગળાઇ મર્યો હતો. આગની જવાળાઓ એટલી ભંયકર હતી કે, પરિવારમાંથી કોઇ શટર ખોલવા સુધી પણ પહોંચી શકયું ન હતું. બીજીબાજ, ઘટનાની જાણ ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સને કરાતાં તેઓ તાત્કાલિક આવી પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ આગ કાબૂમાં લઇ ભોગ બનેલા પરિવારને હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ ડોકટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. મૃતકોમાં લીલાબહેન ચૌધરી(ઉ.વ.૩૦), સુનીલ ચૌધરી(ઉ.વ.૩૫), મોહન ચૌધરી(ઉ.વ.૩૦) અને અર્જુન ચૌધરી(ઉ.વ.૨)નો સમાવેશ થાય છે. આ ઘટનામાં પોતાની ફોઇના ઘેર રહેતી હોવાથી ચૌધરી પરિવારની સાત વર્ષની પુત્રી પૂજા બચી ગઇ હતી પરંતુ તેનો પરિવાર મોતના ખપ્પરમાં હોમાઇ ગયો હતો. આ ગંભીર બનાવને પગલે મેયર ગૌતમ શાહ અને નારણપુરાના ધારાસભ્ય કૌશિક પટેલ પણ ત્યાં દોડી આવ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચના આપી હતી. દરમ્યાન આ અંગે એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, દુકાનમાં ગેસ લિકેજ અથવા તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોઇ શકે પરંતુ હાલ તો એફએસએલના અધિકારીઓ સાયન્ટિફિક રીતે તપાસ કરી રહ્યા છે ત્યારબાદ જ આગનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઇ શકશે. બીજીબાજુ, સ્થાનિક રહીશોએ ઘટનાને લઇ રોષ ઠાલવ્યો હતો કે, વરદાન ટાવર રહેણાંક સ્કીમ હોવાછતાં તેની નીચેના ભાગમાં કેટલીક દુકાનો અને ગેરકાયદે બાંધકામો અનઅધિકૃત રીતે બાંધી દેવાયા હતા. જેના પરિણામે આજે સમયસર ફાયરસેફ્ટી સુવિધા હોવાછતાં તેનો સમયસર ઉપયોગ શકય બન્યો ન હતો. સ્થાનિકોના આક્રોશને પગલે  અમ્યુકો તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.

શહેરમાં દુકાનોની અંદર જ રહેતા પરિવારનો સર્વે કરાશે
શહેરના નારણપુરા વિસ્તારમાં વરદાન ટાવરમાં નીચે કરિયાણાની દુકાનમાં લાગેલી આગમાં એક જ પરિવારના મોતની ઘટનાએ ભલભલાના કાળજા કંપાવી દીધા હતા. ઘટનાની જાણ થતાં ખુદ મેયર ગૌતમ શાહ ત્યાં દોડી આવ્યા હતા, તેમણે કરૂણાંતિકાની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ શહેરમાં આ પ્રકારે દુકાનોની અંદર જ રહેતા કે વસવાટ કરતાં પરિવારોનો સર્વે કરાવવાની જાહેરાત કરી હતી. બીજીબાજુ, સમગ્ર ઘટનાના પ્રત્યાઘાત જોતાં આ કરૂણાંતિકાની તપાસ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહને સોંપવામાં આવી હતી. જેઓ આ સમગ્ર બનાવમાં ઝીણવટભરી તપાસ હાથ ધરી અમ્યુકો સત્તાવાળાઓને તેનો વિગતવાર  અહેવાલ આપશે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં મેયર ગૌતમ શાહ અને સ્થાનિક ધારાસભ્ય કૌશિક પટેલ ત્યાં દોડી આવ્યા હતા. મેયરે જણાવ્યું હતું કે, વરદાન ટાવરના રહીશોએ અગાઉ ટાવરની નીચેના ભાગમાં ગેરકાયદે દુકાનો અને બાંધકામને લઇ ફરિયાદ કરી હતી પરંતુ કોઇ પગલાં લેવાયા નથી, તેથી તેની પણ તપાસ કરવામાં આવશે. આ પ્રકારની ઘટનાઓ ફરીથી ના બને તે માટે અગમચેતીના ભાગરૂપે શહેરમાં વિવિધ વિસ્તારોમાં દુકાન કે કોમર્શીયલ મિલકતમાં જ રહેતા આવા પરિવારોનો સર્વે કરાવવામાં આવશે, તંત્ર જરૂરી કાર્યવાહી કરશે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, આ સમગ્ર ઘટનામાં ટાવરના ચેરમેન, સેક્રેટરી સહિત જે કોઇ જવાબદાર ઠરે છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે અને જો જવાબદારી ઠરતી હશે તો તેઓની વિરૂધ્ધ પણ કાર્યવાહી થશે. આ દુઃખદ કરૂણાંતિકાની ગંભીરતાં જોતાં સમગ્ર મામલાની તપાસ પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહને સોંપવામાં આવી છે, તેઓ આ પ્રકરણમાં ઝીણવટભરી તપાસ હાથ ધરશે. એફએસએલ અને ફાયરબ્રિગેડની ટીમ પણ તપાસમાં સહાયભૂત થશે.

Previous articleઆરટીઇ એકટનો અમલ નહી કરનારી શાળા સામે પગલાં લો
Next articleશાળાઓના પાઠયપુસ્તકો બદલાશેઃ પ્રથમ વખત દ્ગઝ્રઈઇ્‌ આધારિત અભ્યાસક્રમ