ઊતરાયણમાં પશુ-પંખીઓને બચાવવા રાજયભરમાં અસરકારક પગલા લેવાશે

832
guj1212018-7.jpg

ઊતરાયણના તહેવારને લઇ મૂંગા અને અબોલ પશુ-પક્ષીઓને બચાવવા અને પંતગ-દોરીથી ઘાયલ અવસ્થામાં તેમની સારવાર માટે આ વખતે ગુજરાત સરકારે કરૂણા અભિયાનનું મોટાપાયે અને અસરકારક આયોજન હાથ ધર્યું છે, જેમાં તા.૧૦મી જાન્યુઆરીથી તા.૨૦મી જાન્યુઆરી સુધી અમદાવાદ સહિત રાજયના ૧૧ મોટા શહેરોમાં વનવિભાગ અને પશુપાલન વિભાગના ૭૮૧ દવાખાના, ૫૦૦થી વધુ પશુ ચિકિત્સકો, ૬૬૧ બચાવ ટીમો અને પાંચ હજારથી વધુ વોલેન્ટીયર્સની મદદથી આ જીવદયા અભિયાન હાથ ધરાશે એમ અત્રે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે બપોરે ૧૨-૩૦ વાગ્યે બોડકદેવ સ્થિત વાઇલ્ડ લાઇફ સેન્ટરની મુલાકાત લઇ પશુ-પક્ષીની સારવાર માટેની સુવિધા, દવા, ઓપરેશન સહિતની વ્યવસ્થાની જાત માહિતી મેળવી હતી અને વનવિભાગના અધિકારીઓને જરૂરી સૂચના પણ આપી હતી. રાજયના વન્યમંત્રી ગણપત વસાવા, આરએફઓ બી.સી.બ્રહ્મભટ્ટ, એસ.એમ.પટેલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે કરૂણા અભિયાન અંતર્ગત સરકાર દ્વારા ૨૩ હજારથી વધુ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા હતા. આ વખતે કરૂણા અભિયાનમાં સરકારના પશુપાલન વિભાગ, વન વિભાગ, શહેરી વિકાસ વિભાગ, મહેસૂલ વિભાગ સહિતના વિવિધ વિભાગોને સામેલ કરવામાં આવ્યા છે અને તમામ આ જીવદયાના અભિયાનમાં જોડાયા છે. આ વખતે અમદાવાદ સહિત રાજયના ૧૧ મોટા શહેરોમાં વનવિભાગ અને પશુપાલન વિભાગના ૭૮૧ દવાખાના, ૫૦૦થી વધુ પશુ ચિકિત્સકો, ૬૬૧ બચાવ ટીમો, ૪૬ એમ્બ્યુલન્સ, એનજીઓના ૨૪૪ સારવાર કેન્દ્રો અને પાંચ હજારથી વધુ વોલેન્ટીયર્સની મદદથી આ જીવદયા અભિયાન હાથ ધરાશે. સાથે સાથે ૧૯૬૨ ટોલ ફ્રી નંબર મારફતે ગણતરીની મિનિટોમાં પશુ-પક્ષીની સારવાર માટે એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ બનાવાશે. એટલું જ નહી, ઘવાયેલા પશુ-પક્ષીઓની સારવાર માટે પ્રિ-ઓપરેટીવ, પોસ્ટ ઓપરેટીવ સારવાર ઉપરાંત આઇસીયુ વોર્ડ સહિતની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સરકારના કરૂણા અભિયાનમાં ૨૭૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાશે. તો, વૃક્ષો અને થાંભલા પર લટકતા કપાયેલા દોરા દૂર કરવા ૫૭૬ જેટલી ટીમો પણ કાર્યરત રહેશે.મુખ્યમંત્રી રૂપાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, પ્રત્યેક જીવ પ્રત્યે સરકારની જવાબદારી છે અને જીવદયા અને જીવહિંસા અટકાવવાના અભિગમ સાથે આ વખતે સમગ્ર આયોજન હાથ ધરાયું છે. ચાઇનીઝ દોરાના પ્રતિબંધને લઇને પણ તંત્ર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી છે અને વિવિધ સ્થળોએ દરોડા પાડી છ લાખથી વધુની ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કરાયો છે. 

Previous articleપાકિસ્તાનથી મુક્ત થયેલા ૭૪ માછીમારો માદરે વતન પરત ફર્યા
Next articleએક તરફ મેક ઇન ઇન્ડીયા તો ૫છી ૧૦૦ ટકા એફડીઆઈ શા માટે? : હાર્દિક પટેલ