ટુ-વ્હીલર ચાલકોને વિના મૂલ્યે સેફ્‌ટી ગાર્ડનું વિતરણ કરાયું

662
gandhi1312018-1.jpg

ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજરોજ કરૂણા અભિયાન અંતર્ગત નગરના ટુ-વ્હીલર ચાલકોને સેફટી ગાર્ડનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ વિના મૂલ્યે સેફટી ગાર્ડ મેળવનાર ટુ-વ્હીલર ચાલકો દ્વારા ગાંધીનગરના હાર્દસમા ’ઘ’ માર્ગ પર જન જાગૃતિ અર્થે એક રેલી યોજવામાં આવી હતી. ૫૦૦ થી વઘુ ટુ-વ્હીલર ચાલકોએ વિના મૂલ્યે સેફટી ગાર્ડ લગાળ્યા બાદ રેલીમાં સ્વયંમૂ જોડાઇને કરૂણા અભિયાન પાછળના રાજય સરકારના ઉમદા અભિગમને આવકાર્યો હતો. આ રેલીના ગાંધીનગર જિલ્લા કલેકટર સતીશ પટેલે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવી હતી.  
રાજય સરકારના કરૂણા અભિયાન અંતર્ગત ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને નાયબ વન સંરક્ષકશ્રીની કચેરીના અધિકારી-કર્મચારીઓએ ફંડ એકઠું કર્યું હતું. આ એકઠા થયેલા ફંડ માંથી અંદાજે રૂ. ૨૫ હજારની કિંમતના  ૫૦૦ થી વધુ સેફટી ગાર્ડની ખરીદી કરી હતી. આજરોજ ઉત્તરાયણના પર્વમાં નગરના ટુ-વ્હીલર ચાલકોને ચાલું વાહને આડી આવતી દોરીથી રક્ષણ કરે તેવા સેફટી ગાર્ડનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. 
ગાંધીનગરના ધ-૪ નજીક આવેલી નાયબ વન સંરક્ષકની કચેરી ખાતે આ સેફટી ગાર્ડ નખાવવા આવેલા વાહનો ચાલકો દ્વારા કચેરીથી, ધ-૪ સર્કલ થઇ ધ-૫ સર્કલથી કચેરી સુધીની એક કરૂણા અભિયાન અંતર્ગતની જાગૃતિ રેલી નીકાળવામાં આવી હતી. જેમાં ગાંધીનગર વન વિભાગના કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરના વડીલો, યુવાનો અને મહિલાઓ ઉત્સાહભેર જોડાઇ હતી. ચાઇનીઝ દોરી, તુક્કલ ન વાપરવા તથા ઉત્તરાયણના પર્વમાં રાખવાની થતી સાવચેતી અંગેના સૂત્રોચારો કર્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે નાયબ વન સંરક્ષક  અતુલ અમીનના માર્ગદર્શન હેઠળ તેમના સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. 

Previous articleઐતિહાસિક અડાલજની વાવની મુલાકાત લેતાં દિલ્હી સ્થિત કેનેડાના હાઇ કમિશનર નાદીર પટેલ
Next articleઉત્તરાયણના પર્વ દરમ્યાન ઘાયલ થયેલા વ્યક્તિ અને અબોલા પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા