ભાવેણાવાસીઓએ ઉત્તરાયણ તથા વાસી ખીહરની પરંપરાગત ભારે હર્ષોલ્લાસભેર ઉજવણી કરી પરિવાર મિત્રો સાથે લગાતાર બે દિવસ ભારે ધામધૂમ મચી હતી. સાંજે ફટાકડાની આતશબાજી પણ કરવામાં આવી હતી.
શહેરના તમામ વિસ્તારોમાં મકરસંક્રાંતિ પર્વને લઈને વહેલી સવારથી જ બહુમાળી ઈમારતો, ફ્લેટ, મકાનના ધાબાઓ પર લોકો મોટીસંખ્યામાં લોકો એકઠા થયા હતા. ગીત-સંગીત, ડીજે તથા પપુડાની ધૂમ વચ્ચે એ કાપ્યો છે… લપેટ-લપેટ… જેવા હાકલા-પડકારા સાથે પતંગપ્રેમીઓએ વાતાવરણ ગુંજતું કર્યુ હતું. સંક્રાંતિના દિવસે સવારથી લઈને બપોર સુધી પવનની ગતિ પવન મંદ હોય પતંગબાજોને ભારે કસરત કરવી પડી હતી પરંતુ સાંજના સમયે વાયુદેવ મહેરબાન થતા પતંગપ્રેમીઓ ખુશ થયા હતા અને મનભરીને પતંગ ચગાવ્યા હતા.
સવારે પતંગ બપોરે ઉંધીયુ, પુરી, શીખંડ સહિતના સ્વાદિષ્ટ વ્યંજનોની જયાફત માણી હતી. સાંજના સમયે શેરડી, બોર, જમરૂખ, તલ, ગોળ, શીંગની ચિક્કી સહિતની વાનગીઓ આરોગી હતી. તો બીજી તરફ ઢળતી સાંજે ધાબા, છત પર લોકોએ રંગબેરંગી ફટાકડા ફોડી આતશબાજીનો લ્હાવો લૂંટ્યો હતો. આ ઉપરાંત શહેરના પશ્ચિમ ઝોનમાં સવારથી મોડી સાંજ સુધી ઝબુક વિજળી, વિજતંત્રના ધાંધીયાને લઈને સંગીત શોખીનો રોષે ભરાયા હતા. બપોરના સમયે વોલ્ટેજ વધી જતા લોકોના કિંમતી વિજ ઉપકરણો બળી જવા પામ્યા હતા. પીજીવીસીએલ તંત્રની ક્ષતિયુક્ત સેવા લોકોમા ટીકાપાત્ર બની હતી. મકરસંક્રાંતિ તથા વાસી ઉત્તરાયણના રોજ શહેરના તમામ ખાણીપીણીના સ્ટોલ, રેસ્ટોરા, ઢાબા તથા હોટેલોમાં જમવા અને તૈયાર ભોજન-પાર્સલ લેવા માટે લોકોએ લાઈનો લગાવી હતી. છેલ્લા થોડા વર્ષોથી મકરસંક્રાંતિ પર્વ મહાનગરોની માફક ભાવનગરમાં પણ ટ્રેન્ડ ચાલ્યો છે. શહેરના પોષ વિસ્તારો તથા જુના ગામ વડવા સહિતના વિસ્તારોમાં બીજા દિવસે પણ પતંગપર્વની બોલબાલા રહેવા પામી હતી. આમ હર્ષોલ્લાસભેર સંક્રાંતિ પર્વ સાથોસાથ દાનપૂણ્યનો ધર્મલાભ પણ લોકોએ લીધો હતો. શહેરીજનોએ અબોલ પશુઓને સુકો-લલીલો ચારો કઠોળ સહિતનો ખોરાક આપી પરભવનું ભાથુ બાંધ્યું હતું. તદ્દઉપરાંત શ્રધ્ધાળુઓએ દેવદર્શન, પવિત્ર સ્નાન સાથે બ્રાહ્મણો, સાધુ તથા દિન-દુઃખીયાઓને પરંપરાગત મકરસંક્રાંતિનું દાન તથા દક્ષિણા આપી લોક પરંપરાને ઉજળી બાબત કાયમ રાખી હતી.