શહેરના વાઘાવાડી રોડ સહકારી હાટ પાસે પાંચ વર્ષ પૂર્વે કાળીયાબીડમાં રહેતા રજપૂત યુવાનની ધોળા દિવસે હત્યા કરાઈ હતી. જે ગુન્હામાં કોર્ટે બે આરોપીને અગાઉ આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે એક આરોપીને પકડવાનો બાકી હોય જે પોલીસે પકડી લીધા બાદ હત્યા અંગેનો કેસ આજરોજ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા વધુ એક આરોપીને કોર્ટ આજીવન કેદની સજા ફટકારી છે.
પ્રાપ્ત વિગત મુજબ શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતા અને ગેસ એજન્સીમાં કામ કરતા શ્રમિક ભરતભાઈ હીરાભાઈ બારડની પાંચ વર્ષ પૂર્વે સહકારી હાટ પાસે ધોળા દિવસે તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. બનાવમાં એ ડીવીઝન પોલીસે આરોપી લાલા અમરાભાઈ સહિત છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે લાલા અમરાભાઈ સહિત બે શખ્સોને અગાઉ આજીવન કેદની સજા ફટકારી હતી. બાદ હત્યાનો વધુ એક આરોપીને પકડવાનો બાકી હોય જે તુષારગીરી ઉર્ફે માયો મહેશગીરી ગોસ્વામીને પોલીસે ઝડપી લીધો હતો. જે બનાવ અંગેનો કેસ આજરોજ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ જે.જે. પંડયાની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલ દેવમુરારીની ધારદાર દલીલો અને સાક્ષી તથા દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં લઈ જજ જે.જે. પંડયાએ આરોપી તુષારગીરી ઉર્ફે માયો મહેશગીરી ગોસ્વામીને આજીવન કેદની સજા અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે.