ગોંડલની આગ ટેકાના ભાવની ખરીદીમાં મોટે પાયે થયેલા ભ્રષ્ટાચારને છૂપાવવાનું કાવતરુ : પરેશ ધાનાણી

695
gandhi1-2-2018-4.jpg

ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગમાં કરોડોની મગફળી બળીને સ્વાહા થઈ જવાની ઘટના અંગે પરેશ ધાનાણીએ વ્યથા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કો આગ ગોડાઉનમાં નહિં પણ ખેડૂતોના હૃદયમાં લાગી છે. ભાજપે ખેડૂતોનાં પરસેવાની કમાણી છીનવી છે. 
ખેડૂતોના પરસેવાની કમાણી મળતિયાઓને મળે છે. ટેકાના ભાવની ખરીદીમાં મોટે પાયે થયેલા ભ્રષ્ટાચારને છૂપાવવા આગનું કાવતરું ઘડવામાં આવ્યું છે. પહેલાં ગાંધીધામ અને ત્યારબાદ ગોંડલમાં આગ લાગી છે. મગફળીમાં માટી અને ધૂળની ભેળસેળ કરવાનું કૌભાંડ ભાજપ દ્વારા આચરવામાં આવ્યું છે. સરકાર તપાસના નામે તરકટ ચલાવે છે.
ગોડલ યાર્ડમાં લાગેલી આગમાં મોટી માત્રામાં મગફળીનો તૈયાર પાક બળીને ખાખ થઈ જતાં પરેશ ધાનાણી આકરા પાણીએ જોવા મળ્યાં હતા. તેમણે સરકારની ઝાટકણી કાઢતાં, સરકાર તપાસના નામે તરકટ ચલાવતી હોવાનો આરોપ લગાવી, સરકાર આ બધું બંધ કરે અને યોગ્ય રીતે કાર્ય કરે તેમ કહ્યું હતું.આ કૌભાંડમાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જવાબદારો કે દોષીતો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરતાં, પરેશ ધાનાણીએ ખેડૂતોની કાળી મહેનત બળીને ખાખ થઈ જવા પાછળ મોટું કૌભાંડ હોવાનું પણ કહ્યું હતું.નર્મદાનાં પાણી મુદ્દે પરેશ ધાનાણીએ  નિવેદન આપ્યું હતું. 
પરેશ ધાનાણીએ કહ્યું હતું કે નર્મદાનું પાણી ખેડૂતોના ખેતર સુધી પહોંચાડવા સરકાર નિષ્ફળ રહી હતી. સૌની યોજનાના તાયફા કર્યા બાદ પણ ૧૧૫ ડેમ ભરવામાં સરકાર નિષ્ફળ રહી છે. ચૂંટણી સમયે નર્મદા ડેમમાં ૯ મીટર પાણી વધુ સંગ્રહ થયું હોવા છતાં ખેડૂતોને પાક માટે પાણી સરકાર આપતી નથી. સરકારે ડેમો ભર્યાનો ભ્રમ ઉભો કરીને પાણી વેડફી નાખ્યું. ખેતરમાં ઉભો પાક હાલ મુરઝાઈ રહ્યો છે. હજી ઉનાળો તો શરૂ પણ થયો નથી પણ મહિલાઓને પાણી માટે બેડાં લઈને ફરવું પડે છે. 
સરકારે પીવાનું પાણી અને ખેતી માટે અનામત રાખવાની જગ્યાએ પાણી ઉદ્યોગપતિઓને આપ્યું. ઉદ્યોગપતિઓને પાણી આપવા માટે ખેડૂતોને નોટિસ ફટકારી. ખેડૂતોમાં ભયનો માહોલ ઉભો કરવા સરકારે નોટીસ ફટકારી. લોકોની વેદનાને વાચા આપવાની જવાબદારી કોંગ્રેસની છે. કોંગ્રેસ આ મુદ્દાઓ વિધાનસભામાં ઉઠાવશે. રચનાત્મક વિપક્ષ તરીકે કોંગ્રેસ સતત કામ કરશે.