પ્રવિણ તોગડિયા સહિતના ૩૯ આરોપીને અંતે નિર્દોષ છોડયા

788
guj31-1-2018-1.jpg

ગુજરાત સહિત દેશભરમાં ભારે ચકચાર જગાવનાર ૧૯૯૬ના સરદાર પટેલ સ્ટેડિયમમાં સર્જાયેલા ધોતિયાકાંડના કેસમાં અત્રેની મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ જે.બી.બારોટે એક મહત્વપૂર્ણ હુકમ મારફતે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયા, ભાજપના ધારાસભ્ય બાબુ જમનાપટેલ સહિત ૩૯ આરોપીઓને આ કેસમાંથી નિર્દોષ છોડી મૂકવા હુકમ કર્યો હતો. ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસમાં સરકારપક્ષ તરફથી સીઆરપીસીની કલમ-૩૨૧ હેઠળ આ કેસ વીથ ડ્રો કરવા માટેની અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી આ કેસના તમામ ૩૯ આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. આ મહત્વપૂર્ણ હુકમ સાથે જ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટે ૨૨ વર્ષ જૂના ચકચારભર્યા અને રાજકીય દ્રષ્ટિકોણથી ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસનો નિકાલ કર્યો હતો. મેટ્રોપોલીટન કોર્ટના આ હુકમને પગલે ડો.પ્રવીણ તોગડિયા સહિતના આરોપીઓને બહુ મોટી રાહત મળી છે.  ગુજરાત સહિત દેશભરમાં ભારે ચકચાર જગાવનાર ૧૯૯૬ના સરદાર પટેલ સ્ટેડિયમમાં સર્જાયેલા ધોતિયાકાંડના કેસની સુનાવણીમાં આજે બાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ સહિતના ૨૦ આરોપીઓ અદાલત સમક્ષ હાજર રહ્યા હતા, જો કે, વિહિપના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયા સહિતના કેટલાક આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હતા. દરમ્યાન સરકારી વકીલ વાય.કે.વ્યાસે સીઆરપીસીની કલમ-૩૨૧ મુજબ, આ કેસ વીથ ડ્રો કરવાની અરજી આપી હતી, જેને ધ્યાનમાં લીધા બાદ કોર્ટે સરકારપક્ષની આ અરજી ગ્રાહ્ય રાખી ઉપરોકત હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ચકચારભર્યા એવા આ કેસમાં વારંવારની મુદતછતાં આરોપીઓ અદાલત સમક્ષ હાજર નહી રહેતાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેેટ કોર્ટે તા.૪-૧-૨૦૧૮ના રોજ ડો.પ્રવીણ તોગડિયા, બાબુ જમનાદાસ સહિતના કેટલાક આરોપીઓ વિરૂધ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યા હતા. જેને પગલે બીજા દિવસે એટલે કે, તા.૫-૧-૨૦૧૮ના રોજ વિહિપના ડો.પ્રવીણ તોગડિયા, બાબુ જમનાદાસ પટેલ સહિતના નવ આરોપીઓ મેટ્રોપોલીટન કોર્ટમાં રૂબરૂ હાજર થયા હતા. એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ જે.એ.બારોટે આ તમામ આરોપીઓ તરફથી વોરંટ રદ કરવા કરાયેલી વિનંતીને માન્ય રાખી તમામ વિરૂધ્ધના વોરંટ રદ કર્યા હતા અને આ નવ આરોપીઓને રૂ.૧૫ હજારના શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો અને કોર્ટે કેસની વધુ સુનાવણી તા.૩૦મી જાન્યુઆરીના રોજ મુકરર કરી હતી. છેલ્લા ૨૨વર્ષોથી આ કેસ પડતર હતો અને હવે ફરી ચાલવા પર આવતાં તેમાં આજે બહુ મહત્વનું ડેવલપમેન્ટ સામે આવ્યું હતું.