જીગ્નેશ ભજીયાવાલાને હાઈકોર્ટેથી જામીન મળ્યા

641
guj222018-6.jpg

નોટબંધીના સમયગાળા દરમ્યાન કરોડો રૂપિયાના બ્લેકમનીને વ્હાઇટ કરવાના રાજયભરમાં ખળભળાટ મચાવવાના કૌભાંડમાં સુરતના જીગ્નેશ ભજીયાવાલાને આખરે ગુજરાત હાઇકોર્ટે આજે શરતી જામીન પર મુકત કરવાનો હુકમ કર્યો હતો. હાઇકોર્ટના આ આદેશને પગલે જીગ્નેશ ભજીયાવાલાને ઘણી રાહત મળી છે. ચકચારભર્યા એવા આ કેસમં અગાઉ ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ આર.એચ.શુકલએ ગત તા.૧૨-૬-૨૦૧૭ના રોજ આરોપી જીગ્નેશ ભજીયાવાલાની જામીનઅરજી આકરા વલણ સાથે ફગાવી દીધી હતી, ત્યારબાદ તેણે કેસના બદલાયેલા સંજોગો અને ગ્રાઉન્ડ સાથે નવેસરથી હાલની જામીન અરજી કરી હતી, જે આખરે હાઇકોર્ટે આજે મંજૂર રાખી હતી અને તેને શરતી જામીન આપ્યા હતા. નોટબંધી બાદ સુરતના ભજીયાવાલા પરિવારના બ્લેકમની વ્હાઇટ કરવાના કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. આરોપી જીગ્નેશ ભજીયાવાલાએ સાડા ત્રણ કરોડથી પણ વધુ રકમની હેરાફેરી કરી હોવાની વિગતો સામે આવી હતી. ચકચારભર્યા એવા આ કેસમાં જીગ્નેશ ભજીયાવાલાની ગત તા. ૧૯-૧-૨૦૧૭ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતમાં આ કેસમાં સીબીઆઇએ ફરિયાદ દાખલ કરી હતી પરંતુ બાદમાં સમગ્ર કેસની તપાસ પીએમએલએ એકટ હેઠળ ઇડી દ્વારા હાથ ધરાઇ હતી, જેમાં એવી ચોંકાવનારી હકીકત પણ સામે આવી હતી કે, જીગ્નેશ ભજીયાવાલાએ જુદા જુદા ૨૬ જેટલા બેંક એકાઉન્ટ્‌સમાં કરોડોની રકમ જમા કરાવી હતી. બાદમાં આ નાણાં કે તેના સ્ત્રોત અંગે તે ખુલાસો કરી શકયો ન હતો. જેને પગલે આ સમગ્ર કૌભાંડમાં જીગ્નેશ ભજીયાવાલાની જાન્યુઆરી માસમાં ધરપકડ થઇ હતી.  અગાઉ ડિસેમ્બર-૨૦૧૬ પહેલાં પણ પીએમએલએ સ્પેશ્યલ કોર્ટે આરોપી જીગ્નેશ ભજીયાવાલાના જામીન ફગાવ્યા હતા. એ પછી હાઇકોર્ટે જૂન-૨૦૧૭માં પણ ભજીયાવાલાની જામીનઅરજી ફગાવી દીધી હતી. દરમ્યાન આરોપી જીગ્નેશ ભજીયાવાલાએ હાલની નવી જામીનઅરજી રજૂ કરી એવો બચાવ રજૂ  કર્યો હતો કે, સુપ્રીમકોર્ટે એક મહત્વના ચુકાદામાં પીએમએલએ એકટની કલમ-૪૫(૧) જેવી સખ્તાઇવાળી કલમ થોડા સમય પહેલાં જ રદ કરી નાંખી છે, તેથી હવે આરોપીના ગુનાને સીઆરપીસીની કલમ-૩૯ અન્વયે વિચારણામાં લેવાવો જોઇએ. વળી, અરજદાર વિરૂધ્ધ જે ગુનો લાગુ કરાયો છે, તેમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઇ છે અને છેલ્લા એક વર્ષથી તે જેલમાં છે.  આ સંજોગોમાં તેને જામીન મળવાપાત્ર છે. હાઇકોર્ટે આ દલીલો ગ્રાહ્ય રાખી જીગ્નેશ ભજીયાવાલાની જામીનઅરજી મંજૂર કરી હતી.