ગાંધીનગરના ગ-રોડને સીકસ લેન બનાવવાનું આયોજન

1483
gandhi12-2-2018-6.jpg

ગ-રોડને પણ પહોળો કરવાનું આયોજન છે. હાલમાં આ રોડ ફોર લેન છે તેને હવે સીક્સ લેન બનાવવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા આ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પાટનગર ગાંધીનગર રાજ્યનું કેપિટલ સિટી છે. અને તેનો સ્માર્ટ સિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં વિકાસના કામો કરવામાં આવનાર છે. તેમાં ખાસ કરીને ખ રોડ બાદ હવે ગ રોડને પણ પહોળો કરવાની બાબતનો સમાવેશ કરાયો છે. આ ગ રોડને માત્ર પહોળો જ કરાશે તેવું નથી પરંતુ તેમાં સાયકલ ટ્રેકની જોગવાઈ રહેશે. રોડને સીક્સ લેન બનાવવા માટે ૨૦ કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે.
સરખેજ- ગાંધીનગર હાઈવે પર ગાંધીનગર શહેરની અંદર પ્રવેશવા માટે સૌ પહેલો ગ-રોડ આવી જાય છે. અહીંથી જીઆઈડીસી વિસ્તાર સુધી સડસડાટ જઈ શકાય છે. ખ રોડ પર કેપિટલ રેલ્વે સ્ટેશનનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. તથા અહીં ફાઈવ સ્ટાર હોટેલ બની રહી છે. મહાત્મા મંદિર પણ અહીં આવેલુ છે. જ્યાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સેમિનારો યોજાતા રહે છે. ઉપરાંત વાયબ્રન્ટ ગુજરાત પણ અહીં દર બે વર્ષે યોજાય છે. વાયબ્રન્ટ ઉપરાંત દેશ-વિદેશના નેતાઓ અને મુલાકાતીઓ અહીં કાર્યક્રમમાં આવે છે તે સમયે ખ-રોડને જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવે છે અને આ રોડ પરના ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવાતો હોય છે. ખ-રોડ આગામી દિવસોમાં મહાત્મા મંદિરના કારણે વીઆઈપી રોડ બની જશે. મહાત્મા મંદિરમાં જ્યારે જ્યારે વૈશ્વિક કક્ષાના સેમિનાર યોજાશે ત્યારે અમદાવાદથી ગાંધીનગર આવતાં ટ્રાફિકને આ ગ-રોડથી જ અંદર ડાયવર્ટ કરવામાં આવે તો એસજી હાઈવેથી ગાંધીનગર તરફ આવતા ટ્રાફિકનું ભારણ રોડ પર ઘટી શકે.
આ ગ-રોડને ૧૪ કિમી સુધી સીક્સ લેન કરવામાં આવશે. અત્યારે આ રોડ ફોર લેન છે. અને ત્યાં રોડની બંને બાજુ એક-એક લેન વધી શકે તેટલી જગ્યા પણ ઉપલબ્ધ છે. આ રોડને પહોળો કરી શકાય છે કે નહિ તે બાબતે અગાઉ અભ્યાસ પણ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને સીક્સ લેન બનાવવા માટે વિચાર કરવામાં આવ્યો છે. ગ અને ખ રોડ બંને મહાત્મા મંદિરને સ્પર્શતો રોડ એરિયા છે. અને તેથી જ આ બંને રોડને પહોળો કરવા માટેના આયોજનો છે. સ્માર્ટ સિટી અંતર્ગત આ રોડને પહોળો કરવાના આયોજનો છે. તથા શહેરીજનોને સાયકલ ચલાવવા માટેની પણ સુવિધા ઉપલબ્ધ કરવાનો મુદ્દો સ્માર્ટ સિટીમાં મહત્વનું પરિબળ છે. શહેરીજનો માટે સાયકલ ટ્રેક બનાવવા પર ભાર મુકાયો છે. અને તેથી જ ખ રોડની જેમ ગ-રોડ પર પણ સાયકલ ટ્રેકની જોગવાઈ કરાશે.