૨૪મી ઓલ ઇન્ડિયા ફોરેન્સીક સાયન્સ કોન્ફરન્સના સમાપન સમારંભમાં તેમણે વધુમાં જણાવ્યું કે, ટેકનોલોજીથી ભારતના સામાન્ય અને અદના આદમીને સક્ષમ બનાવવો છે તો બીજી બાજુ જેની પાસે છે અને જેની પાસે નથી તે વચ્ચેની ભેદરેખા ભૂંસવી છે.
ટેકનોલોજીનાં બે આયામો છે તેમ જણાવી તેમણે કહ્યું કે, ટેકનોલોજીનાં લાભ છે તો તેની સામેના પડકારો પણ છે. એક બાજુ ડિજિટલ ટેકનોલોજી દ્વારા ઝડપથી અને ગુણવત્તાયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય છે તો તેની સામે ડિજિટલ વર્લ્ડ વર્ચ્યુલ છે તેથી છેતરપીંડી જેવા ગુન્હાઓ પણ બને છે તે આ ટેકનોલોજીનો ફાયદો છે.
દેશમાં ૧૩૦ કરોડ લોકો પાસે ૧૨૧ કરોડ મોબાઇલ ફોન છે તેમાંથી ૫૦ કરોડ સ્માર્ટ ફોન છે. તેનો દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા માટે ઉપયોગ કરવાની અસીમીત ક્ષિતિજ છે તેમ જણાવી તેમણે કહ્યું કે, દેશમાં ૧૨૦ કરોડ આધાર કાર્ડ બનાવી દેવામાં આવ્યા છે. જેના દ્વારા ૧૨૦ કરોડ લોકોની ફિગરપ્રિન્ટ અને આંખની કીકીની છાપ ડિજિટલી સંગ્રહીત થઇ ગઇ છે. આ રેકોર્ડ થયેલી ડિજિટલી છાપનો ઉપયોગ ગુન્હાઓને શોધવા માટે વ્યાપક ફલક છે તેમ જણાવી તેમણે કહ્યું કે, આગામી સમયમાં ભારત સરકાર ડ્રાઇવીંગ લાયસન્સને આધાર કાર્ડ સાથે સાંકળવા જઇ રહી છે જેથી અકસ્માતના કિસ્સામાં અકસ્માત કરનારની તરત ઓળખ કરી શકાય.
કોઇપણ ગુનેગાર ગમે તેટલો ચતુર હોય પણ કોઇને કોઇ સબૂત – નિશાન છોડે જ છે પરંતુ આ નિશાનને વૈજ્ઞાનિક રીતે સિધ્ધ કરવાની અને પૂરવાર કરવા માટે ફોરેન્સીક સાયન્સના ક્ષેત્રમાં આગળ વધવું જરૂરી છે તેમ જણાવી તેમણે ડિજિટલ સરકાર એ જ સારી સરકાર છે તેના પર ભાર મૂક્યો હતો.
પરફોર્મ – રિફોર્મ અને તેનાં દ્વારા ભારતના ટ્રાન્સફોર્મની પ્રતિબધ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે ફોરેન્સીક નેશનલ કાઉન્સીલની રચના માટે કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે તેની ભૂમિકા આપી હતી. જે યુનિવર્સિટીમાં નરેન્દ્રભાઇ મોદી વિદ્યાર્થી રહી ચૂક્યા છે તે યુનિવર્સિટીમાં આવવાનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય ગૃહ મંત્રી હંસરાજ આહીરે જણાવ્યું કે, આજનાં જમાનામાં ગુન્હાની જે વ્યાપકતા જે રીતે વધી રહી છે તેને પહોંચી વળવા માટે ફોરેન્સીક સાયન્સને મજબૂત કરવા માટે આ કોન્ફરન્સ ઉપયુક્ત બનશે.
કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, યુવાનો માટે માટે નવા જમાનાને અનુરૂપ વિકસતી જતી ક્ષિતિજોને પારખી ગુજરાતે યોગ યુનિવર્સિટી, ટીચર્સ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી જેવી અનેક યુનિવર્સિટીઓની સ્થાપના કરી છે. ગુજરાતે આઇ ક્રિએટ જેવી સંસ્થાની સ્થાપના કરી યુવાનોને ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રે આગળ વધવાની તક પૂરી પાડી છે.



















