વગર વરસાદે જિલ્લામાં ૫૫ હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર

397

ગુજરાતમાં એક બાજુ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે તો બીજીબાજુ ગાંધીનગર-અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની ઘટ સામે આવી રહી છે જેને લઇને જગતના તાત સહિત સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઇ છે.

ભુગર્ભ જળ ઉંડા ઉતરી રહ્યા છે તેવી સ્થિતિમાં ફક્ત ત્રણથી ચાર ઇંચ જેટલા સામાન્ય વરસાદ વચ્ચે જિલ્લામાં કપાસ અને મગફળી સહિત વિવિધ પાકનું ૫૫ હજાર હેક્ટરમાં વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. ૫૫ હજાર હેક્ટરથી વધુ વાવેતર કર્યા બાદ પણ પાકને અનુરૂપ વરસાદ કે ભેજવાળી આબોહવા નહીં રહેવાને કારણે પાક સામે ખતરો પણ ઉભો થયો છે.

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ખરિફ વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. અગાઉ ૧.૬૦થી ૧.૭૦ લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવતું હતું તે હવે ૧.૫૦ લાખ હેક્ટરે પણ માંડ માંડ પહોંચે છે. આવી સ્થિતિમાં છેલ્લા બે વર્ષથી ગાંધીનગરમાં વરસાદની ઘટ પણ વધી છે.

આમ, વરસાદને અભાવે જિલ્લામાં વાવેતર વિસ્તારમાં ઘટાડો નોંધાયો છે તેમ ખેતી વિભાગના અધિકારીઓ પણ માની રહ્યા છે ત્યારે ચાલુ વર્ષ વગર વરસાદે ગાંધીનગરમાં ૫૫ હજાર હેક્ટરથી પણ વધુ વિસ્તારમાં જિલ્લાના ખેડૂતો દ્વારા વાવેતર કરી દેવામાં આવ્યું છે.

શરૂઆતના દિવસોમાં ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેશી રહ્યા હતા તેવી સ્થિતિમાં વાયુ વાવાઝોડાની ઇફેક્ટને કારણે ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં ચારથી પાંચ દિવસ વરસાદી વાતાવરણ રહ્યું હતું જેથી ખેડૂતો હરખાયા હતા અને સારા વરસાદની આશાએ વાવેતર શરૂ કરી દીધું હતું પરંતુ ત્યાર બાદ ઉનાળા જેવી ગરમી પડી હતી અને છુટા છવાયા બે-ત્રણ વખત ઝાપટાં સિવાય જિલ્લામાં વરસાદ પડયો જ નથી.

ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ ત્રણથી ચાર ઇંચ વરસાદ પણ પડયો નથી તેવી સ્થિતિમાં જિલ્લામાં ૫૫ હજાર હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કરી દીધુ છે ત્યારે હવે વરસાદના અભાવે પાક સામે ખતરો ઉભો થઇ રહ્યો છે જેને કારણે ખેડૂતોની સાથે સાથે સરકાર પણ ચિંતામાં મુકાઇ ગઇ છે.

જિલ્લામાં કપાસનું ૨૩ હજાર  હેક્ટરમાં જ્યારે મગફળીનું પાંચ હજાર હેક્ટર ઉપરાંત શાકભાજીનું સાત હજાર હેક્ટરમાં વાવેતર કરાયું છે. આ ઉપરાંત બાજરી એક હજાર, ડાંગર ૨૨૭, મગ ૨૧૫, અડદ ૧૬, મઢ ૨ , જુવાર એક હજાર તથા ઘાસચારો ૧૭ હજાર હેક્ટરમાં વાવવામાં આવ્યો છે. જિલ્લામાં સરેરાશ ખરીફ ઋતુમાં ૧.૫૦ લાખ હેક્ટરમાં વાવેતર થશે. જેમાં દહેગામમાં સૌથી વધારે ૪૩ હજાર હેક્ટરમાં ખરીફ વાવેતર કરાશે.

Previous articleખેતી માટે વીજ કનેક્શનની ૮૭૦ જેટલી અરજીઓ પડતર
Next article૫ ટ્રિલિયન ડોલર કોઈ ચંદ્રયાન લોન્ચ કરવા જેવી વાત નથી : પી.ચિદમ્બરમ્‌