આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસની શરૂઆત થતાં જ સમગ્ર પત્રકાર આલમમાં નારાજગી ફેલાયેલી જોવા મળી હતી અને આ બાબતે હોબાળો થતાં વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી દરમ્યાન આ મુદ્દો વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણીએ ઉઠાવતાં જણાવ્યું હતું કે, ૧૯૬૦થી લઈ ગુજરાતના સંસદીય ઈતિહાસમાં આજનો દિવસ એ કાળી ઘટના છે. આ પહેલો બનાવ છે કે મીડીયાના મિત્રોએ વિધાનસભાની કાર્યવાહીનો બહિષ્કાર કરવો પડે. જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જનતા વતી, જનતા માટે કામ કરે અને જનતા એનો પળપળનો હિસાબ રાખે એના માટે વિધાનસભા ગૃહની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થવું જોઈએ. ભાજપ સરકાર પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડીયાનો કલંકિત ઈતિહાસ લખી રહી છે. સમાચાર માધ્યમો એ સંસદીય પ્રણાલિમાં જનપ્રતિનિધિઓની કામગીરીનો જીવંત અરીસો છે. પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડીયા સહિત સમાચાર સંસ્થાઓ એ લોકશાહી શાસન વ્યવસ્થામાં સંસદીય પ્રણાલિના પાલન માટે જન પ્રતિનિધિઓને જવાબદેહ બનાવવા માટેનો અરીસો છે ત્યારે સરકારશ્રી દ્વારા ઈરાદાપૂર્વક અવ્યવસ્થા ઉભી કરી વિધાનસભાની કાર્યવાહીના જીવંત પ્રસારણથી ગુજરાતની જનતાને વંચિત રાખવા માટેનું કલંકિત કૃત્ય આચરવામાં આવી રહ્યું છે, જે સંસદીય ઈતિહાસમાં કાળા અક્ષરે લખાશે અને લોકશાહી શાસન વ્યવસ્થાને ગળે ટૂંપો આપનારું નીવડશે.
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગૃહમાં અગાઉ પત્રકારોને કેમેરા સાથે પ્રવેશ અપાતો હતો, જેથી ગૃહની કાર્યવાહી જોઈ પ્રજા સાચી વાતથી અવગત થતી હતી, પરંતુ છેલ્લા ઘણાં સમયથી આ પ્રથા બંધ કરીને ગૃહનું જીવંત પ્રસારણ કરવામાં આવતું નથી. વિરોધપક્ષની રજૂઆતોની અવગણના કરવી તે સત્તાપક્ષ દ્વારા લોકશાહીને ગળે ટૂંપો દેવા સમાન ગણી શકાય. શ્રી ધાનાણીના પ્રશ્નો અને રજૂઆતને ધ્યાનમાં લઈ માનનીય અધ્યક્ષે આ અંગે દિલગીરી પણ વ્યક્ત કરી હતી. આ પ્રશ્ને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ રાજકીય ટીપ્પણી કરી ચર્ચામાં ભાગ લેતાં તેઓની ટીપ્પણી સામે ધાનાણીએ રાજકીય જવાબ આપતાં જણાવ્યું હતું કે, ભાજપે ઊડતા પંજાબની વાત કરી જેને અમે જમીન ઉપર લાવ્યા હતા. અહીં તો “ઝુમતા ગુજરાત’ની વાત ચાલે છે. મતલબ કે પંજાબમાં ભાજપને કોંગ્રેસે સાફ કરી નાંખ્યો. જ્યારે ગુજરાતમાં પણ પંજાબની જેમ દારૂની બદી વધી છે તે કોના થકી વધી છે તે સમજી જવાની જરૂર છે. આમ જ ચાલશે તો ઊડતા પંજાબ જેમ જમીન ઉપર આવી ગયા તેમ ગુજરાતમાં પણ જમીન ઉપર આવી જશો.


















