સ્વચ્છ શહેરમાં ૩૩મો ક્રમ છતાં તંત્રએ ઉત્સવનું આંધણ કર્યું…!!

778
bvn1352017-11.jpg

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ભારત મિશન હેઠળ કરવામાં આવેલ સર્વેમાં સમગ્ર દેશમાં ભાવનગર શહેરનો ૩૩મો ક્રમ જાહેર થયો છે. પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ અલગ છે.
હાલની તારીખે પણ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલાઓ, ગંદકી ખદબદે છે ત્યારે ૩૩મા ક્રમે મોટી સિધ્ધિ મેળવીને ‘મીર’ માર્યો હોય તેવા હરખ સાથે ઉત્સવપ્રધાન સરકાર અને તેનું માઈકાંગલુ તંત્ર હરખના અતિરેક સાથે રેલી યોજી મોટો સમારંભ ગોઠવી પોતાની પ્રસિધ્ધિ ભુખ છતી કરી છે.
૩૩માં નંબરનું સ્વચ્છ શહેર ભાવનગરની ઘોષણાના ભાગરૂપે ભાવનગર મહાપાલિકાના સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા સફાઈ કામદારો તથા કર્મચારીગણ દ્વારા ૭૦૦થી વધુ વ્યક્તિઓ સાથે મોતીબાગ ટાઉનહોલથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર નિમુબેન બાંભણીયાએ લીલીઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી મોતીબાગ, ઘોઘાગેટ, હલુરીયા ચોક, ક્રેસન્ટ સર્કલ થઈ યશવંતરાય નાટ્યગૃહ ખાતે સભામાં પરિવર્તિત થઈ હતી. જ્યાં સભાને સંબોધતા મેયર નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું. સમગ્ર દેશમાં ભાવનગર ૩૩મો ક્રમ પ્રાપ્ત થયો છે જે ખરેખર આપણા સૌ માટે ગૌરવની બાબત છે. યોગ્ય સમયે  યોગ્ય વ્યક્તિનું થવું જ જોઈએ આ સન્માન સર્વે સફાઈ કામદારો તથા સોલીડ વેસ્ટ વિભાગના અધિકારીગણ અને ભાવનગરના જાગૃત નાગરિકોને ફાળે શ્રેય જાય છે. આ સિધ્ધિ મોટી સિધ્ધિ છે. આવો કાર્યક્રમ સૌપ્રથમવાર યોજાયો છે તેમજ મ્યુ.કમિશ્નર કોઠારીએ જણાવ્યું હતું કે, ભાવનગરને ૩૩મો ક્રમ એ સારી બાબત છે પરંતુ ૧ થી ૧૦ ક્રમમાં ભાવનગરને સ્થાન કેમ ન મળ્યું તેનો મને રંજ છે. સફાઈ કર્મીઓ પોતાના રહેણાંકી વિસ્તારને પણ સ્વચ્છ રાખે તે જરૂરી છે. આગામી દિવસોમાં હું મુલાકાત લઈશ તથા આરોગ્ય કમિટીના કિર્તીબેન દાણીધારીયાના હસ્તે સફાઈ કર્મીઓને મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા અને અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુરેશ ધાંધલ્યા, ડેપ્યુટી મેયર મનભા મોરી સહિતના હોદ્દેદારો હાજર રહ્યાં હતા. જો કે નગરસેવકોની પાખી હાજરી ચર્ચાનો વિષય બન્યો હતો. સભામાં લાંબા લચક ભાષણોથી આગંતુકો અકળાયા હતા.