રાજ્યસભાના કોંગી ઉમેદવાર તરીકે બાબરિયા નિશ્ચિત, બીજા નામ પર સસ્પેન્સ

691
guj1132018-7.jpg

રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસ ગુજરાતમાં હજુ સુધી ઉમેદવારોની ૫સંદગી કરી શક્યો નથી. ત્યારે એક નામ ઉ૫ર લગભગ મંજુરીની મહોર લાગવા જઇ રહી છે. જો કે બીજા નામ માટે કોકડુ ગુંચવાયુ હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇને પાટીદારને રાજ્યસભા મોકલવા હાઇકમાન્ડ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે. સૂત્રો કહે છેકે, દિપક બાબરિયા રાહુલ ગાંધીની ટીમના સભ્ય ગણાય છે. આ નામ પણ દિલ્હીથી પસંદ થયેલુ છે. આ ઉપરાંત જનાર્દન દ્વિવેદીને પણ ગુજરાતમાંથી તક આપવા હાઇકમાન્ડ વિચારી રહ્યુ છે તે જોતાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉપરાંત વિપક્ષના નેતા ધાનાણીએ પાટીદારને રાજ્યસભાની ટિકીટ આપવી જોઇએ તેવા મત રજૂ કર્યા છે. જો દિપક બાબરિયાની પસંદગી થશે તો,ગુજરાતના અન્ય નેતાઓમાંથી બાલુભાઇ પટેલ,જીતુભાઇ પટેલ અને જીવાભાઇ પટેલમાંથી કોઇ એકને તક મળી શકે છે. વિધાનસભા હારી જતાં સિધ્ધાર્થ પટેલનું પત્તુ કપાયુ છે. આમ, હાઇકમાન્ડ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વચ્ચે વૈચારિક મતભેદ જામ્યા છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી લોકસભાની ચૂંટણી જીતવા માટે પોતાના પસંદગીનો ઉમેદવાર મૂકવા પર ભાર વ્યક્ત કરી રહ્યાં છે. ભાજપે પણ બે પાટીદાર મંત્રીઓને રિપિટ કર્યાં છે તે રણનીતિ આધારે ગુજરાત કોંગ્રેસે પણ આ જ નીતિ અપનાવવા નક્કી કર્યુ છે. જયારે હાઇકમાન્ડ એઆઇસીસીમાંથી કોઇ એક નેતાને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલીને પોતાના નેતાને સાચવવા માંગે છે. રાહુલ ગાંધીના વિદેશ પ્રવાસ બાદ રવિવારે મોડી સાંજ સુધી નામ જાહેર થવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છેકે, રાજ્યસભાની ટિકીટ મેળવવા માટે કુલ ૭૫ કોંગ્રેસીઓએ ગુજરાતમાંથી હાઇકમાન્ડ સમક્ષ દાવેદારી નોંધાવી હતી તે પૈકી ૨૨ જણાનાં નામ શોર્ટલિસ્ટ કરાયા હતાં. સોમવારે સવારે રૂપાલા-માંડવિયા ફોર્મ ભરવા જશે પુરુષોતમ રુપાલા,અરુણ જેટલી,મનસુખ માંડવિયા અને શંકર વેગડની રાજ્યસભાના સભ્ય તરીકેની મુદત પૂર્ણ થઇ રહી છે. ભાજપે શંકર વેગડને રૂખસત આપી દીધી છે જયારે જેટલીને ઉત્તરપ્રદેશમાં ખસેડયા છે. માંડવિયા અને રુપાલાને રિપીટ કર્યા છે. આ બંન્ને કેન્દ્રીયમંત્રી સોમવારે સવારે દસેક વાગે ગુજરાત વિધાનસભામાં ફોર્મ ભરવા જશે.