એમએસ યુનિવર્સિટીની પૂર્વ વીપીને એસિડ અટેકની ધમકી આપનાર ગેંગને ક્લિન ચીટ

365

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સ્ટુડન્ટ યુનિયનની પૂર્વ વીપી સલોની મિશ્રાએ પઠાણ ગેંગે એસિડ અટેકની ધમકી આપ્યાનો ગંભીર આરોપ લગાવતા યુનિ.માં ચકચાર મચી જવા પામી હતી. હવે આ મામલે ઝુબેર પઠાણ સહિત સાત વિદ્યાર્થીઓને તપાસ ટીમે રાહત આપી છે.

આ તમામને ફરીથી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે. એસિડ અટેકની ધમકીના મામલા બાદ ઝુબેર પઠાણ સહિત સાત વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને પીડિતાએ આ મામલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

એપ્રિલ ૨૦૧૯માં આ ઘટના સામે આવી હતી. એસિડ અટેકના ગંભીર આરોપની તપાસ કરવા યુનિવર્સિટી સત્તાધીશોએ ૧૨ સભ્યોની તપાસ સમિતિ બનાવવી હતી. તપાસ સમિતિએ સુરક્ષા કર્મચારીઓ સહિત વિદ્યાર્થિનીઓના નિવેદનો લીધા હતા અને સીસીટીવીની પણ ચકાસણી કરી હતી.

તપાસ બાદ ટીમે પીડિતા પુરાવાઓ આપી શકી નથી તેમ માન્યું હતું. આ મામલે યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલા સાત વિદ્યાર્થીઓને પ્રોબેશન પર રાખી અભ્યાસ કરવાની પરવાનગી આપવામાં આવી છે.

હવેથી તેઓ આગળ અભ્યાસ માટે યુનિવર્સિટીમાં પુનઃપ્રવેશ લઈ શકશે. જોકે, આ દરમિયાન તમામ વિદ્યાર્થીઓ પ્રોબેશન પર રહેશે. તેમના વર્તન પર ધ્યાન રાખવામાં આવશે. જો કોર્ટ વિદ્યાર્થીઓને કસૂરવાર ઠેરવશે તો તમામ આરોપી વિદ્યાર્થીઓને તાત્કાલિક યુનિ.માંથી કાયમ માટે હાંકી કાઢવામાં આવશે. જોકે, સિન્ડિકેટના નિર્ણય બાદ પીડિતા સલોની મિશ્રાએ કહ્યું કે, સિન્ડિકેટના નિર્ણયથી સંતોષ નથી. મારી પર હુમલો થયો તો સિન્ડિકેટ સભ્યો જવાબદાર રહેશે.

Previous articleમુખ્યમંત્રી નૂતનવર્ષે ગાંધીનગર-અમદાવાદમાં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે
Next articleપ્રેમી સાથે મળી પતિની હત્યા કરનાર પત્નીનાં ૧ દિવસના રિમાન્ડ મંજૂર