ગુજરાત અને ઓડિશાના લોકો ઉત્સવ પ્રિય છે, તેવું ગાંધીનગરના ટાઉનહોલ ખાતે યોજાયેલ ગાંધીનગર ઉડિયા સમાજ દ્વારા ઓડિશાના ૮૩ મા સ્થાપના દિન ઉત્કલ દિવસની ઉજવણી પ્રસંગે રાજયપાલ ઓ.પી.કોહલીએ જણાવ્યું હતું.
ગાંધીનગર ઉડિયા સમાજના સભ્યોને ઉત્કલ દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી રાજયપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું હતું કે, ભારત દેશ અનેક પ્રાંતમાં વહેચાયેલો દેશ છે. તમામ પ્રાંતની સંસ્કૃતિ, ભાષા અને અન્ય વિવિધ બાબતોમાં વિભિન્નતા જોવા મળે છે. તેમ છતાં દેશની વિવિધતામાં એકતા તથા અનેક્તામાં એકતાએ ભારત દેશને વિશ્વમાં એક અલગ ઓળખ આપી છે. ઓડિશાનું કુદરતી સૌદર્ય અને ધાર્મિકતાથી ભારતવાસીઓ ઓડિશામાં જવા આકર્ષાય છે. ઉત્કલ પ્રદેશની લડાઇ બાદ જ અશોક રાજાનું હદય પરિવર્તન આવ્યું હતું. ઓડિશાને અલગ રાજય તરીકે સ્થાપના કરવામાં યોગદાન આપનાર શ્રી મધુસુદન દાસ, ગોપનંદ દાસ જેવા વિવિધ મહાનુભાવોને યાદ કરીને ઓડિશાની અનેક રસપ્રદ વાતો કરી હતી.
ગુજરાતને ઉડિયા સમાજ પર ગૌરવ છે, તેવું કહી રાજયપાલ ઓ.પી. કોહલીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજયના વિકાસમાં પણ ઉડિયા સમાજના લોકોએ પણ યોગદાન આપ્યું છે. ગુજરાતમાં ઉડિયા સમાજના લોકો અને ગુજરાતીઓ એકબીજા સાથે હળમળી ગયા છે.
નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે ગાંધીનગર ઉડિયા સમાજને ઉત્કલ દિવસના અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, હિન્દુ ઘર્મ અને ભારતદેશના ઇતિહાસમાં ઓડિશાનું એક અલગ જ સ્થાન છે. આપણો દેશ અલગ અલગ રાજયનો બનેલો છે. દેશની અખંડિતતા તથા એક્તા સારી હોવાનું કારણ હજારો વર્ષોથી દેશના વિવિધ પ્રાંતના લોકો એકબીજા સાથે કોઇને કોઇ બાબતે જોડાયેલા છે. ગુજરાતમાં અનેક ઓડિશાના નાગરિકો વસે છે, તેઓ દૂધમાં સાકર ભળે તેમ રાજયમાં ભળી ગયા છે.



















