રાજેશ જોશીના મુક્તિપત્રનો પ્રદેશ કોંગ્રેસ દ્વારા અસ્વિકાર

953
bvn2182017-20.jpg

ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રાજેશ જોશી દ્વારા માનસિક, આર્થિક અને વ્યવસાયમાં વ્યસ્તતાના કારણો ધરીને પ્રદેશ પ્રમુખ સમક્ષ પોતાને ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ પદેથી મુક્ત કરવા માટે પત્ર લખી જાણ કરી હતી જેને આજે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ નામંજુર કરી શહેર પ્રમુખ તરીકે યથાવત રહેવા પત્ર પાઠવીને જણાવ્યું હતું.
ભાવનગર શહેર કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી વિખવાદ ચાલી રહ્યો છે. શહેર કોંગ્રેસ દ્વારા અપાતા વિવિધ કાર્યક્રમોમાં સીનીયર ગણાતા નેતાઓની સુચક ગેરહાજરી અને વિરોધી પ્રવૃત્તિઓ જેવી હીલચાલો અને કેટલાક કાર્યકરોના પક્ષમાંથી રાજીનામા સહિત વિવાદોના કારણે રાજેશ જોશીએ શહેર પ્રમુખ પદેથી મુક્તિ માંગી હતી પરંતુ તેમની કામગીરીના કારણે પ્રદેશ પ્રમુખ દ્વારા તેમને મુક્તિ આપી ન હતી અને પ્રમુખ પદે યથાવત રહેવા જણાવ્યું હતું.
રાજેશ જોશીના રાજીનામાની વાત સાથે જ ભાવનગરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું અને કોંગ્રેસ છોડી ગયેલાને પ્રમુખ પદના હોદ્દા સાથે પૂનઃ ઘરવાપસી કરાવાશે સહિતની વાતો ચર્ચાઈ રહી હતી ત્યારે રાજેશ જોશીનું રાજીનામુ નામંજુર થતા વિરોધીઓના મોં સિવાઈ જવા પામ્યા છે. જ્યારે પ્રદેશ પ્રમુખ દ્વારા નવસર્જન ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા સૌ કોંગી કાર્યકરોને સાથે મળીને કાર્ય કરવા જણાવ્યું હતું.