ગઢડાના હરીપર ગામે ક્ષેત્રિય પ્રચાર કાર્યાલય ભાવ. દ્વારા વિશેષ જનસંપર્ક કાર્યક્રમ યોજાયો

1225
bvn2182017-12.jpg

ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રિય કાર્યાલય ભાવનગર-બોટાદ દ્વારા ગઢડા તાલુકાના હરીપર ગામે સ્વચ્છતા એ જ સેવા અભિયાન અંતર્ગત સાંસદ ડો.ભારતીબેન શિયાળના અધ્યક્ષસ્થાને વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી, તળાજા માર્કેટીંગ યાર્ડના ચેરમેન, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર, સીડીપીઓ તેમજ ગામના સરપંચ સહિત ઉપસ્થિત રહ્યાં હતા. ક્ષેત્રિય પ્રચાર કાર્યાલયના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ આ પ્રસંગે જણાવેલ કે, દેશના તમામ લોકો સ્વચ્છતાના મહાઅભિયાન સ્વચ્છતા એ જ સેવામાં જોડાય અને સ્વચ્છતા અંગે જાગૃત થઈ સ્વચ્છતાનું નિર્માણ કરે તે હેતુથી કાર્યક્રમ યોજાયો છે. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ અંગેની માહિતી પણ તેમણે આપી હતી. અધ્યક્ષસ્થાનેથી સાંસદ ભારતીબેને સ્વચ્છતા એ જ સેવાનો માર્ગ અપનાવી સૌને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. સાથે જ લોકઉપયોગી સરકારની અનેકવિધ યોજનાઓ અંગે જાણકારી આપી તેનો લાભ લેવા લોકોને જણાવેલ. કાર્યક્રમ દરમિયાન ઉજ્જવલા યોજનાના લાભાર્થી મહિલાઓને મફત ગેસકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સાંસદની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલ હરીપર પ્રાથમિક શાળાના ડોમ તથા રમત માટેના સાધનોનું લોકાર્પણ કરાયું હતું. 
આ પ્રસંગે વક્તૃત્વ સ્પર્ધા, પ્રશ્નોતરી સ્પર્ધા સહિત વિવિધ સ્પર્ધાઓનુ આસપાસના ગામોમાં આયોજન કરાયું હતું. જેના વિજેતાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા તેમજ જનજાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી માર્ગદર્શન આપતા પ્રદર્શન અને સ્ટોલનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં હરીપર ગામના લોકો મોટીસંખ્યામાં જોડાયા હતા.