માં આદ્યશક્તિના મહાપર્વ નવરાત્રિનો આજથી પ્રારંભ

1646
bvn2182017-17.jpg

જગત જનની માં જગદંબાના પાવન પર્વ નવલા નોરતાનો આજરોજ પ્રારંભ થશે. બાર માસના સમુહમાં આ નવ દિવસ નવ રાત વિશેષ હોય છે. જેમાં નવ દી’ ના પર્વને અલગ-અલગ રીતે ઉજવણી કરાતી હોય છે. ભાવનગર શહેર-જિલ્લામાં નવરાત્રિને લઈને અંતિમ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
ઈશ્વરિય ભક્તિના અનેક પ્રકારો શાસ્ત્રોમાં વર્ણવ્યા છે પરંતુ નવોઢા ભક્તિની અસીમ ગાથા આસો સુદ એકમથી નવ દિવસ દરમ્યાન આદિકાળથી ઉજવવામાં આવે છે. આ નવ દિવસ દરમ્યાન સેંકડો શ્રધ્ધાળુઓ આદ્યશક્તિના વિવિધ સ્વરૂપોની પૂજા-અર્ચના કરી પોતાનો ભાવ પ્રગટ કરે છે. આજથી શરૂ થઈ રહેલ નવરાત્રિને લઈને ભાવનગર શહેર-જિલ્લામાં ભક્તિની લહેર સાથે બજારોમાં નવી રોનક જોવા મળી રહી છે. નાના-મોટા મંદિરોને રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા હતા. બજારોમાં પૂજા સામગ્રી સાથે સુશોભન અને શણગાર અર્થેની અનેક વેરાયટીઓ જોવા મળી રહી છે. શહેરમાં ઠેકઠેકાણે શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગ્રામ્ય પંથકોમાં દેશી ગરબા, રાસ સાથોસાથ ભવાઈનું આયોજન કરવામાં આવ્યું છે.
આજથી નવ દિવસ દરમ્યાન તળાજા નજીક આવેલા ઉંચા કોટડા સ્થિત ચામુંડા ધામ મહુવા ભવાની મંદિર, રાજપરા ખોડીયાર તથા સિહોર સ્થિત માં સિહોરીના સાનિધ્યમાં માઈભક્તોની હેલી જામશે.
ભાવનગર શહેરમાં માત્ર ૪ જગ્યાઓ ઉપર પ્રોફેશ્નલ રીતે રાસ ગરબાનું આયોજન થયું હોય જેમાં સિઝન પાસના દરો પણ ઉંચા હોય આથી ખેલૈયાઓ  રૂપાણીસર્કલ, મહિલા કોલેજ સર્કલ સહિતના જાહેર આયોજનોમાં જોડાય તેવી શકયતાઓ જોવાઈ રહી છે. નાના-મોટા મંદિરો તથા ઘરોમાં ગરબાની સ્થાપના-જુવારા અને ઘટસ્થાપન કરી નવદિવસીય અનુષ્ઠાનનો પ્રારંભ કરશે. આમ આજથી રાત પડશે અને ઉત્સવનો સુર્યોદય થશે.

રામજી મંદિરે માતાજીના બાળ સ્વરૂપના દર્શન થશે
ભાવનગર જિલ્લા પંચાયત સામે આવેલ રામજી મંદિર ખાતે પવિત્ર નવરાત્રિ અનુસંધાને દરેક દિવસે અલગ-અલગ માતાજીના નવ સ્વરૂપના દર્શનનું આયોજન કરવામાં આવેલ છે. પ્રથમ નોરતે માતાજીના બાળ સ્વરૂપના દર્શનનું આયોજન કરવામાં આવેલ છે તેમજ આરતી હવન માટે નામ પણ લખવામાં આવે છે.

વરતેજ પંથકમાં પ્રથમ નવરાત્રિ નિમિત્તે કાર્યક્રમ
નાનીપા બહુચરાજી મંડળ – જોગીદાસ ખુમાણ નાટક
મોટીપા બહુચરાજી મંડળ – સીતા જન્મ નાટક
ઈન્દીરાનગર જય ભવાની મંડળ દેવીપૂજન – જેસલ તોરલ
કમળેજ નવરાત્રિ મંડળ – ઉતારા ચોક નાટક પાવાગઢ પતન
ફરિયાદકા ઠાકોર મંડળ – નાટક જયચિતોડ
સોડવદરા દેવીપૂજક મંડળ -નાટક જય મેલડી માતા
ભોજપરા રઘુભાના ચોકમાં – શેતલના કાંઠે
મોરીભાઈઓના માતાજીના મંદિરે ભુવા ભીખાભાઈ ચામુંડા માતાજી સ્થાપના