શેરી ગરબાને નિશ્ચિત નિયમો સાથે સરકારે મંજૂરી આપી

24

ગરબા પ્રેમીઓ માટે ખુશી સમાચાર : સરકાર દ્વારા આ અંગે ટુંક જ સમયમાં જાહેરાત કરાશે, કર્ફ્‌યૂમાં ૧ કલાકની રાહત, હવે કર્ફ્‌યૂ રાત્રે ૧૨ વાગ્યાથી
ગાંધીનગર, તા.૨૪
કોરોનાને કારણે ગત્ત વર્ષે ક્યાંય ગરબાના આયોજનને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી નહોતી, જો કે આ વર્ષે સ્થિતિ થોડી હળવી થતા સોસાયટી અને ફાર્મ હાઉસોમાં તથા શેરી ગરબાને નિશ્ચિત નિયમો સાથે મંજુરી આપવામાં આવી છે. જો કે હાલ આ અંગે એસઓપીની જાહેરાત કરવામાં આવી નથી. સરકાર દ્વારા આ અંગે ટુંક જ સમયમાં જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત કર્ફ્‌યૂમાં પણ ૧ કલાકની રાહત આપવામાં આવી છે. હવે કર્ફ્‌યૂ રાત્રે ૧૨ વાગ્યાથી લાગુ પડશે જે સવારે ૬ વાગ્યા સુધી લાગુ રહેશે. આ ઉપરાંત નવરાત્રી દરમિયાન રેસ્ટોરન્ટને પણ છુટ આપવામાં આવી છે. જો કે હજી એસઓપીની જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે. શેરી ગરબામાં ૪૦૦ લોકોથી વધારે લોકોને મંજુરી નથી. જેથી શેરીગરબામાં પણ વધારે ભીડ ન થાય તે માટેનું આયોજન જે તે સોસાયટીના ચેરમેન દ્વારા કરવાની રહેશે. જો કે પાર્ટી પ્લોટ કે અન્ય કોઇ પણ બહારના સ્થળે ગરબાના આયોજનને મંજુરી આપવામાં આવી નથી. જેથી ૧૨ વાગ્યે ગરબા પુર્ણ થયા બાદ કોઇ પ્રકારની અવર જવરને મંજુરી આપવામાં નહી આવે.