ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે ગઈ કાલે મોડી સાંજે રિંગ રોડ પર હાથીજણ સર્કલ નજીકથી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. ૧રપ૧ દારૂની પેટીઓ, રોકડ રૂ.૪ર,૦૦૦, મોબાઈલ અને તર્ક મળી કુલ રૂ. ૭૪.૮૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ચાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બે દિવસ પહેલાં અમદાવાદમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દારૂનો જથ્થો પણ વિપુલ માત્રામાં પકડાઇ રહ્યો છે. અમદાવાદમાં ૧૪મી ડિસેમ્બરે મતદાન યોજાવવાનું છે તેના બે દિવસ પહેલાં જ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે દારૂ ભરેલી તર્ક ઝડપી પાડી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓએ ગઈ કાલે મોડી સાંજે હાથીજણ સર્કલ નજીક વોચ ગોઠવી હતી.
દરમ્યાનમાં જીજે-ર૬ પાસિંગની એક ટ્રક આવતા પોલીસે તેને રોકી હતી. પોલીસે ટ્રકમાં તપાસ કરતાં વિશાળ પ્રમાણમાં દારૂની પેટીઓ મળી આવી હતી. આખી ટ્રકમાં દારૂ ભરી અને તાડપત્રી બાંધી દેવામાં આવી હતી. રૂ.૬૪.ર૭ લાખની ૧રપ૧ જેટલી દારૂની પેટીઓ હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસે આ મામલે મૂળ પંજાબના દિલરાજ મહેરા (શીખ) આરોપીની ધરપકડ કરી છે. જ્યારે રાજુ, ધિરેન અને અન્ય બે શખસને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ દારૂનો જથ્થો કોને આપવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે ચૂંટણીના પ્રથમ તબક્કા પહેલા ખોરજ પાસેથી કન્ટેનર ડેપોમાં અડાલજ પોલીસે દરોડો પાડી કરોડો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો તેમજ દંતાલી ગામ પાસે આવેલા એક ગોડાઉનમાંથી પણ સાંતેજ પોલીસે લાખોનો દારૂ ઝડપી પાડ્યો હતો.



















