બોટાદ જિલ્લામાં ‘‘સુશાસન સપ્તાહ” ઉજવણીનો પ્રારંભ

47

પૂર્વ મંત્રી અને બોટાદ ધારાસભ્ય સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં બોટાદ ખાતે “સુશાસન સપ્તાહ” ઉજવણી કાર્યક્રમ યોજાયો
રાજય સરકાર દ્વારા પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના જન્મદિન નિમિત્તે ‘‘ સુશાસન/ગુડ ગવર્નન્સર સપ્તાહ ” ની ઉજવણી સમગ્ર રાજયમાં આજથી કરવામાં આવી છે જે તા. ૩૧/૧૨/૨૦૨૧ સુધી એક સપ્તાહ માટે યોજાશે. જેના ભાગરૂપે બોટાદ જિલ્લામાં પણ પૂર્વ મંત્રી અને બોટાદ ધારાસભ્ય સૌરભભાઈ પટેલની ઉપસ્થિતિમાં બોટાદ સ્થિત નગરપાલિકા હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને બોટાદ ધારાસભ્ય સૌરભભાઈ પટેલે પ્રસંગને અનુરૂપ પ્રવચન કરતાં જણાવ્યું હતું કે આજથી રાજ્યમાં સુશાસન સપ્તાહ ઉજવણી કાર્યક્રમનો પ્રારંભ થયો છે જેનો મુખ્ય હેતુ રાજ્યના છેવાડાના માનવીઓને સમયસર અને સરળતાથી વિવિધ વિભાગોની યોજનાઓનો લાભ મળી રહે તે છે.

સરકાર ના જુદા જુદા વિભાગોની યોજનાઓની કામગીરી ટેકનોલોજીના ઉપયોગ થકી ઝડપથી થાય અને તેનો લાભ સરળતાથી લાભાર્થીઓને મળી રહે તે માટે ગુડ ગવર્નન્સ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, ટેકનોલોજીના ઉપયોગ થકી વોટ્સએપ હેલ્પલાઈન, મેસેજ, ઓનલાઈન સહિત ટેકનોલોજીના ઉપયોગ થકી લાભાર્થીઓને ઝડપથી સુવિધાઓ મળી રહે તેના પુરા પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં નાયબ કલેક્ટર આશિષ મિયાત્રાએ બોટાદ જિલ્લાના વિકાસના કામોની રૂપરેખા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, વિકાસના કામો, ધંધા ઉધોગ માટે, લાભાર્થીઓને સરળતાથી અને ઝડપથી સુવિધાઓ મળી રહે તેમજ યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળી રહે તે માટેનું આયોજન પણ એ એક સુશાસનનો ભાગ છે. સુશાસન અંતર્ગત સરકારશ્રી દ્વારા તેમજ બોટાદ વહીવટીતંત્ર દ્વારા પણ ખૂબ જ પ્રયાસો કરવામાં આવી રહયા છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ જીવંત પ્રસારણ દ્વારા માન. મુખ્યમંત્રીના ઉદબોધનને તથા ગુડ ગવર્નન્સ પ્લાનનું પ્રેઝન્ટેશન તેમજ ગુડ ગવર્નન્સ સક્સેસ સ્ટોરી પ્રેઝન્ટેશન ને નિહાળ્યું હતું તથા જીવંત પ્રસારણ દ્વારા માન. મુખ્યમંત્રીએ વિવિધ વિભાગોમાં નીતિવિષયક નિર્ણયો અમલમાં મુક્યા હતા. આ કાર્યક્રમની શાબ્દિક સ્વાગત વિધિ બોટાદ પ્રાંત અધિકારી દિપક સતાણીએ તેમજ આભારવિધિ બોટાદ તાલુકા વિકાસ અધિકારીએ કરી હતી.આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કલેકટર બી.એ.શાહ, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી લલીતનારાયણસિંઘ સાદું, નાયબ કલેક્ટર-૧ આર.કે. વંગવાણી, નાયબ કલેક્ટ સુથાર, જિલ્લા રોજગાર અધિકારી પી.કે.ત્રિવેદી સહિતના અધિકારી – કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
તસવીર-વિપુલ લુહાર