ભુંભલીમાં સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ

1355
bvn2892017-8.jpg

ભારત સરકારના સુચના અને પ્રસારણ મંત્રાલયના ક્ષેત્રિય પ્રચાર કાર્યાલય, ભાવનગર દ્વારા ભાવનગર તાલુકાના ભુંભલી ગામે સ્વચ્છતા એ જ સેવા વિષય અંતર્ગત વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
ભાવનગરના તાલુકા વિકાસ અધિકારી દેવેન્દ્ર અધિકારી તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી રેવરનાં અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં એસબીઆઈના લીડ બેંક મેનેજર એસ.વી. ત્રિવેદી, નાણાંકિય સાક્ષરતાના નિયામક પ્રવિણ ગોહિલ, આઈટીઆઈના આચાર્ય હર્ષદ દોશી, આરોગ્ય વિભાગના ડીઆઈઈસીઓ કે.પી. કુંચાલા, આઈસીડીએસના સીડીપીઓ તેમજ સુપરવાઈઝર, ગામના સરપંચ જયસુખભાઈ તેમજ સામાજિક અગ્રણી, તાલુકા પંચાયતના સદસ્ય માણસુરભાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.
સ્વચ્છ ભારતના નારા સાથે જનજાગૃતિ રેલીથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. દિપ પ્રાગટ્ય થયા બાદ એક અનોખી પ્રણાલિકાથી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. સરકારના મુખ્ય બે અભિયાનો સ્વચ્છ ભારત અને બેટી બચાવો બેટી પઢાવો અભિયાનને લગતા સંદેશ-સુવિચાર સાથેની નોટબુક દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું.
ક્ષેત્રિય પ્રચાર કાર્યાલયના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ સ્વચ્છતાને જ સારી સેવા માની આ અભિયાનમાં સૌ કોઈને જોડાઈ જવા અપીલ કરી હતી. તાલુકા વિકાસ અધિકારીએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સરકાર દ્વારા કાર્યાન્વીત યોજનાઓ અંગે જાણકારી પુરી પાડી તેમજ આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કચરાના યોગ્ય નિકાલ માટે અમલમાં આવનાર યોજનાઓની માહિતી આપી હતી.
એસબીઆઈના નાણાકિય નિયામકએ સરકારની બેંક સાથે જોડાયેલ યોજનાઓ અંગે જીણવટભરી માહિતી આપેલ. અભિયાનના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, પ્રશ્નોત્તરી સ્પર્ધા, પૌષ્ટીક વાનગી સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન જુદા-જુદા ગામોમાં કરાયું હતું. સ્પર્ધાના વિજેતાઓને કાર્યક્રમ દરમિયાન ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમના પ્રારંભે મેઝિક શો (જાદુનો ખેલ) દ્વારા મનોરંજનની સાથે સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો. ભુંભલીના સામાજિક આગેવાન માણસુરભાઈની કાર્યક્રમના સફળ આયોજન માટે સારો સહયોગ પ્રદાન થયો હતો.

Previous articleગંગાજળીયા તળાવમાંથી આધેડની લાશ મળી આવી
Next articleસુએઝ પ્લાન્ટ મુદ્દે લાંબી ચર્ચાએ બોર્ડ કંટાળાજનક બન્યું