પ૮ જેટલી જ્ઞાતિને આર્થિક-શૈક્ષણિક લાભ

1137
gandhi4102017-6.jpg

ગુજરાતમાં રાજય સરકારે ‘બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ’ની રચના કરી છે. આ નિગમની રચનાથી આગામી સમયમાં રાજ્યની અંદાજિત ૫૮ જેટલી બિનઅનામત જ્ઞાતિઓને મોટા પ્રમાણમાં રોજગારી અને ઉચ્ચ શિક્ષણની વધુ તકો ઉપલબ્ધ થશે. નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલની અધ્યક્ષતાવાળી મંત્રીમંડળની પેટાસમિતિની  ૨૬ સપ્ટેમ્બરે ગાંધીનગરમાં પાટીદાર સમાજના આગેવાનો, ધાર્મિક સંસ્થાઓના વડાઓ અને યુવા અગ્રણીઓ સાથે બેઠક મળી હતી, જેમાં પાટીદાર અને અન્ય સમાજ માટે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ નાયબ મુખ્યપ્રધાને આપેલ ખાતરીને મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તેમજ રાજય મંત્રીમંડળની બેઠકમાં બહાલી આપવામાં આવી હતી.રાજય સરકારે ‘બિનઅનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ’ની રચના કરી છે.  આ નિગમની રચનાથી આગામી સમયમાં રાજ્યની અંદાજિત ૫૮ જેટલી બિન અનામત જ્ઞાતિઓને મોટા પ્રમાણમાં રોજગારી અને ઉચ્ચ શિક્ષણની વધુ તકો ઉપલબ્ધ થશે તેમ ગૃહ રાજયપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.રાજ્ય સરકાર દ્વારા આ નિગમની રચના માટે શેર કેપિટલ પેટે રૂા. ૧૦૦ કરોડ તેમજ ધીરાણ પ્રવૃત્તિ માટે રૂા. ૫૦૦ કરોડ મળી કુલ રૂા. ૬૦૦ કરોડની જોગવાઇ કરી છે. આ નિગમની રચનાથી રાજ્યમાં વસતા આર્થિક નબળા કુટુંબોને શૈક્ષણિક અને સ્વરોજગારીની નવીન તકો મોટા પ્રમાણમાં ઉપલબ્ધ થશે તેમ ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું.
આ નિગમની રચના દ્વારા બિન અનામત વર્ગોના પરિવારો, વિદ્યાર્થીઓ અને અરજદારોના સર્વાંગી વિકાસ માટે શૈક્ષણિક અને આર્થિક વિકાસની પ્રવૃત્તિઓ કરવાની રહેશે, જેમાં બિન-અનામત વર્ગ પૈકીના ખેડૂતો, પશુપાલકો, કારીગરો તેમજ મજૂરોને શૈક્ષણિક અને આર્થિક ઉપાર્જન માટે રાહત વ્યાજ દરે ધીરાણ આપી રોજગારીની વધુ તકો ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ જ્ઞાતિઓની શૈક્ષણિક તેમ જ આર્થિક સ્થિતિમાં વધુ સુધાર આવે તે હેતુથી જુદી જુદી યોજનાઓ તૈયાર કરી તેનું અમલીકરણ કરાશે જેથી નવી રોજગારી ઊભી થશે. શિક્ષણનો વ્યાપ વધે તે માટે યોજનાઓ ઘડી અમલ કરવો, બિન-અનામત વર્ગોની જ્ઞાતિઓના આર્થિક વિકાસ  માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓના સહયોગથી તેમના ધંધા અને વ્યવસ્થાને અનુરુપ યોજનાઓ તૈયાર કરી તેનો ઝડપી અમલ કરાશે. બિન-અનામત વર્ગોના સર્વાંગી કલ્યાણ માટે રહેણાંક અને વસવાટ, વીજળી, પાણી અને ગટર વ્યવસ્થા જેવી અગત્યની બાબત અંગે યોજનાઓ તૈયાર કરી તેનો અમલ કરાશે.બિન-અનામત વર્ગની જ્ઞાતિઓના યુવાનોને કૌશલ્યવર્ધન અંગેની તાલીમ આપીને રોજગારીની વધુ નવી તકો ઉપલબ્ધ કરાશે. આ જ્ઞાતિઓમાં લોકોના આર્થિક, સાંસ્કૃતિક તેમ જ શૈક્ષણિક વિકાસ માટે રાજય અને કેન્દ્રની વિવિધ યોજનાઓનો લાભ પણ ઉપલબ્ધ કરાવાશે તેમજ આર્થિક ઉપાર્જન થાય તે અંગે તાલીમ કાર્યક્રમો શરુ કરાશે. આ ઉપરાંત બિન-અનામત વર્ગની જ્ઞાતિઓના પ્રશ્નો ઉપર જરુર જણાય તો ભવિષ્યમાં ચર્ચા-વિચારણા કરી, તેનો ઉકેલ લાવવા હકારાત્મક પ્રયાસો કરાશે.
આ નિગમમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ સહિત અન્ય સાત બિન-સરકારી નિયામકો,  સભ્યો રહેશે જેની નિમણુક રાજય સરકાર દ્વારા કરવામાં આવશે. જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના નાયબ સચિવ (વિ.જા), નાણા સલાહકાર, વિકસતી જાતિ કલ્યાણના નિયામકશ્રી, કુટિર ઉદ્યોગના નાયબ કમિશ્નર અથવા વર્ગ-૧ કક્ષાના પ્રતિનિધિ તેમ જ ગુજરાત બિન-અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના મેનેજિંગ ડાઇરેકટર, બિન-સરકારી એટલે કે હોદ્દાની રૂએ (એક્સ ઓફિશિયો) નિયામક રહેશે.
આ નિગમમાં પ્રથમ તબક્કે વર્ગ-૧ના એક તેમ જ વર્ગ-ર કક્ષાના એક સહિત કુલ ૧૮નું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આ નવીન નિગમને સત્વરે કાર્યરત કરવાની આનુષંગિક કાર્યવાહી વિકસતી જાતિ કલ્યાણ ખાતાના નિયામકએ સંબંધિતો સાથે સંકલનમાં રહીને પૂર્ણ કરવાની રહેશે તેમ પણ ગૃહ રાજયપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યું હતું.

Previous article કોબા ખાતે ઘન કચરાના નિકાલ માટેની વ્યવસ્થાનું ખાતમુહર્ત 
Next article રાજુલામાં ફોરેસ્ટ કચેરી પાસે સીસી રોડનું થયેલું ખાતમુર્હુત