ભાજપ સરકાર હાર ભાળી ગઈ છે, હાર્દિકને ડરાવી કે દબાવી નહિ શકે : શક્તિસિંહ ગોહિલ

591
gandhi27102017-5.jpg

પાસ કન્વીનર હાર્દિક પટેલને વોરંટ ઈશ્યૂ કરવાની બાબત પર પૂર્વ વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ભાજપ સરકાર હાર ભાળી ગયું છે. સરકાર હાર્દિકને ડરાવી કે દબાવી નહિ શકે. પાટીદારોએ ભાજપને નોટ અને વોટ બંને આપ્યા હતા, પણ ભાજપે તેમની પર અત્યાચાર ગુજાર્યો અને હવે વોરંટ કાઢી રહ્યા છે. કોર્ટમાં આ મામલે સરકાર પક્ષે ચૂંટણી પછીની તારીખ આપવા રજૂઆત કરવી જોઈએ. ભાજપ પર જાસૂસીનો આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે, સરકાર કોણ કોને મળે છે તેની ચિંતા કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસે ખાનગી હોટેલમાં જાસૂસી મામલે શું પગલાં ભરી શકાય તે અંગે કાનૂની નિષ્ણાતોની સલાહ લેવાનું શરૂ કર્યું છે.
હાલમાં પાટીદાર નેતા હાર્દિક પટેલના સીસીટીવી ફૂટેજનો એક વીડિયો વાઇરલ થયો છે. હકીકતમાં રાહુલ ગાંધી અમદાવાદમાં હતા પણ આમ છતાં હાર્દિક પટેલે તેમને મળવાનો ઇનકાર કર્યો હતો. જોકે જાહેરમાં હાર્દિકના આવા વલણને ખોટો સાબિત કરતા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. હકીકતમાં મોડી રાત્રે હોટલ તાજના સીસીટીવીમાં હાર્દિક પટેલની સૂચક હાજરી જોવા મળી છે.
આ સીસીટીવી ફૂટેજ પછી ચર્ચા ચાલી છે કે જાહેરમાં રાહુલ ગાંધીને મળવાની ના પાડનારો હાર્દિક કોઈ મોટો દાવ રમવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. આ સંજોગોમાં હાર્દિકે તો રાહુલ ગાંધી સાથે ગુપ્ત મુલાકાત કરી હોવાની અટકળો ચાલી છે. જોકે આ સીસીટીવી જાહેર થતા હાર્દિકે સ્પષ્ટતા કરી છે તેણે ગુજરાતના કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી, રાહુલ ગાંધી સાથે નહીં.