હું કોંગ્રેસ કે ભાજપમાંથી ચૂંટણી લડવાનો નથી : હાર્દિક પટેલ

703
bvn29102017-1.jpg

આજરોજ પાલીતાણા તાલુકાના સગાપરા ગામે આજે પાસના નેતા હાર્દિક પટેલ આવી પહોંચ્યા હતા. સૌપ્રથમ ભોળાનાથના મંદિરે દર્શન કરી ગામ તરફ જતા ગામની કુવારી કન્યાઓ દ્વારા તિલક કરી હાર્દિક પટેલનું સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ગામમાં બનાવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ હાર્દિક પટેલે કર્યુ હતું. સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાનું અનારવણ કર્યા બાદ ગામમાં ચાલતી સપ્તાહમાં હાર્દિક પટેલ સહિત પાસના કન્વીનરોએ હાજરી આપી હતી ત્યારબાદ ગામ લોકોએ હાર્દિક પટેલનું સાફો ઓઢાડી તેમજ તલવાર આપી સન્માન કર્યુ હતું.
હાર્દિક પટેલે હાલની ભાજપ સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા કે ગુજરાતમાં ખેડૂતોને પુરતો કપાસ મગફળી તુવેરનો ભાવ નથી મળતો. ખેડૂતોને પુરતી વિજયી નથી મળતી ખાતરની અછત ખાતરમાં ભાવ વધારો ગુજરાતમાં યુવાનો બેરોજગાર છે. શિક્ષણ મોંઘુ થયું છે. બહેન-દિકરીઓ સલામત નથી અને હું જ્યાં સભા કરવા કે રેલી માટે જાવ છું ત્યાં તે પ્રોગ્રામના આયોજકોને ભાજપના નેતાઓ દ્વારા ધમકીઓ અપાય છે તેવા આક્ષેપો કરાયા હતા. પાટીદાર સમાજના લોકોને જણાવેલ કે, કોઈ નેતાને તમારા ગામમાં ચૂંટણી પ્રચાર કરવા આવા દેવા નહીં. કોઈ રાજકિય પક્ષના ભજીયા ગાંઠીયા કે ચવાણુ ખાઈ તેની વાતમાં આવી તેને મત આપવા ગામ લોકોને અપીલ કરી હતી. હું આ લડાઈ સમાજના યુવાનો માટે લડુ છું. યુવાનોના અધિકાર માટે લડુ છું ને હું કોંગ્રેસ કે ભાજપમાંથી ચૂંટણી લડવાનો નથી. આ વાતની સ્પષ્ટતા કરી હતી ને ૧૧ વખત જય સરદાર જય પાટીદારના નારા સાથે પ્રવચન પૂર્ણ કર્યું હતું તેમજ હાર્દિક પટેલના આગમન પહેલા બે કલાક વિજળી બંધ કરી દેવાય હતી જેથી સગાપરા ગામ લોકો તેમજ પાટીદાર સમાજમાં ખૂબ રોષ જોવા મળ્યો હતો. આ કાર્ક્રમમાં મોટીસંખ્યામાં લોકો જોડાયા હતા.